અમદાવાદ દિવસેને દિવસે વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે. તો શહેરમાં અનેક જગ્યાઓ પર રી-ડેવલ્પમેન્ટ પણ થઈ રહ્યું છે. આ રી-ડેવલ્પમેન્ટના નામે હજારો ટન કન્સ્ટ્રક્શન અને ડીમોલિશન વેસ્ટમાં જાય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે આ વેસ્ટનું AMC શું કરે છે. આ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બને છે અને તે જ વસ્તુઓ ફરી અમદાવાદના વિકાસના કામોમાં વપરાય છે.

અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને અનેક નવી નવી પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. અને નવી પ્રોડક્ટ્સ શહેરમાં નીકળતા વેસ્ટમાંથી જ બનાવવામાં આવે છે.
શહેરમાં અનેક સ્થળોએ ડીમોલિશન થતું હોય છે જે ડીમોલિશનમાં નીકળતો વેસ્ટ જુદી જુદી જગ્યાઓ પર ઠાલવવામાં આવે છે. આ ડીમોલિશન વેસ્ટ અમદાવાદ એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓ ઉઠાવે છે. અને આ વેસ્ટને ગ્યાસપુર ખાતે આવેલા પ્લાન્ટ પર લાવવામાં આવે છે.

પ્લાન્ટ પર આ તમામ વેસ્ટનું સેગ્રીકેશન કરવામાં આવે છે. સેગ્રીકેશન બાદ વેસ્ટને ક્રશર મશીનમાં નાખવામાં આવે છે. જે બાદ અલગ અલગ ત્રણ પ્રકારના વેસ્ટ તૈયાર થાય છે. આ વેસ્ટ રેતી, કપચી અને મોટા પથ્થરોમાં નીકળે છે.

જેમાંથી કપચી અને મોટા પથ્થરોનો ઉપયોગ રોડ બનાવવામાં થાય છે. જ્યારે રેતીને પણ જુદા જુદા કામમાં વાપરવામાં આવે છે. શહેરમાંથી રોજનો એક હજાર મેટ્રિક ટન ડીમોલેશનવેસ્ટ જુદી જુદી જગ્યા પર ઠલવાય છે.
