Rajkot Hit and Run Case: રંગીલા રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના કાલાવાડ-જામનગર હાઈવે પર આવેલા નવા માર્કેટ યાર્ડ સામેની સ્વસ્તિક સોસાયટી નજીક કાળમુખી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવક અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
મળતી વિગતો મુજબ, એરપોર્ટ ફાટક પાસે પૂરપાટ ઝડપે આવતી એક બેફામ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈક સવાર મુસાફરોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે એક યુવક અને એક મહિલાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
બે લોકોની હાલત અત્યંત ગંભીર
અકસ્માતમાં અન્ય બે મુસાફરો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Rajkot પોલીસ એક્શન મોડમાં
ઘટનાની જાણ થતા જ રાજકોટ શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પી.એમ. અર્થે ખસેડ્યા છે. પોલીસે અકસ્માત સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરીને ફરાર કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં ભયાનક અકસ્માત,વાન ખીણમાં ખાબકી 9ના મોત,PM મોદીએ વ્યક્ત કર્યો શોક
આ પણ વાંચો: અમદાવાદના શાહપુરમાં મોડી રાતે અકસ્માત બાદ તોડફોડ, વીડિયો વાયરલ
આ પણ વાંચો: છત્તીસગઢના કાંકેરમાં રોડ અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત
