Ahmedabad News: ગુજરાતમાં ગેરકાયદે દારૂના વેપાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ હેઠળ વધુ એક મોટી સફળતા મળી છે. ત્રણ વર્ષથી પોલીસથી બચીને ફરતા ગાંધીનગરના લિસ્ટેડ બુટલેગર (Ahmedabad Bootlegger Arrest) નરેશભાઈ ઉર્ફે નરીયો રાવળને SMCની ટીમે અમદાવાદમાંથી ઝડપી લીધો છે.આરોપી સામે રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના 35થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
બાતમીના આધારે ફ્લેટ પર દરોડો
મૂળ ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામના ચામુંડાપુરા વાસનો રહેવાસી નરેશ રાવળ (Naresh Rawal) સતત પોતાનું રહેઠાણ બદલતો હોવાથી પોલીસને ચકમો આપતો હતો.SMCને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી અમદાવાદ નજીક રણાસણ ટોલટેક્સ પાસે આવેલા મૂઢિયા ગામની શાંતિપથ રેસિડેન્સીના એક ફ્લેટમાં છુપાઈને રહે છે. બાતમીના આધારે ટીમે દરોડો પાડી તેને સ્થળ પરથી જ ઝડપી લીધો.ધરપકડ દરમિયાન આરોપી પાસેથી એક આઇફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
રાજસ્થાનથી દારૂ મગાવી ગુજરાતમાં સપ્લાય
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નરેશ રાવળ રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મગાવી ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં સપ્લાય કરતું ગેરકાયદે નેટવર્ક ચલાવતો હતો.પોલીસ હવે આ સમગ્ર સપ્લાય ચેઇન અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ કરી રહી છે.
Ahmedabad Bootlegger Arrest: 35થી વધુ પ્રોહિબિશનના કેસ
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે રાજ્યભરમાં પ્રોહિબિશન કાયદા હેઠળ 35થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં તેને લિસ્ટેડ બુટલેગર (Ahmedabad Bootlegger Arrest) તરીકે જાહેર કરવામાં આવ્યો છે.દારૂના ગુનાઓ ઉપરાંત આરોપી સામે મારામારી અને ગંભીર ગુનાઓના કેસ પણ નોંધાયેલા છે.
હત્યાના પ્રયાસ સહિત ગંભીર ગુનાઓમાં સંડોવણી
પોલીસ રેકોર્ડ મુજબ આરોપી સામે હત્યાના પ્રયાસ સહિત ભારતીય દંડ સંહિતાની ગંભીર કલમો હેઠળ પણ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે.સ્થાનિક વિસ્તારમાં દબદબો જાળવવા માટે લોકો સાથે ઝઘડા અને ધમકી આપવાની પણ તેની સામે ફરિયાદો નોંધાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
અનેક કેસ કોર્ટમાં ટ્રાયલ હેઠળ
નરેશ રાવળ સામે નોંધાયેલા અંદાજે 10 કેસ હાલમાં વિવિધ કોર્ટોમાં ટ્રાયલ હેઠળ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી કોર્ટમાં હાજર રહેતો નહોતો, જેના કારણે તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યા હતા.ફરાર હોવા છતાં તે પોતાની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રાખતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.હાલ SMCએ આરોપીને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન અને બનાવટી દસ્તાવેજ સંબંધિત કેસમાં કાયદેસરની કાર્યવાહી માટે સોંપ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં દારૂના અડ્ડાનો વિરોધ કરનાર રહીશો પર બુટલેગરોનો હુમલો, મહિલાઓને પણ માર માર્યાનો આરોપ
