Unseasonal Rain Saurashtra Kutch: ગુજરાતમાં એકતરફ સૂર્યદેવ આકરા મિજાજમાં છે, ત્યારે બીજી તરફ વાતાવરણમાં મોટા પલટાના સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના કેટલાક ભાગોમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદી માહોલ જોવા મળશે. જોકે, વરસાદ છતાં બફારા અને ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે.
કેમ બદલાશે વાતાવરણ?
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર એક ‘અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન’ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસરને લીધે ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ જિલ્લાઓમાં Unseasonal Rain ની સંભાવના
આજે (20 એપ્રિલ) ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ માવઠું પડી શકે છે, જ્યારે કચ્છના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી આંચકાની સંભાવના સેવાઈ રહી છે.

અમદાવાદમાં વાદળો વચ્ચે 41°C તાપમાન
અમદાવાદમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું જોવા મળી રહ્યું છે, પરંતુ ગરમીમાં કોઈ ઘટાડો થયો નથી. શહેરમાં મહત્તમ તાપમાન 41°C ની આસપાસ રહેવાની શક્યતા છે. કાળઝાળ તડકા અને બફારાથી બચવા માટે અમદાવાદીઓ રૂમાલ, દુપટ્ટા અને છત્રીનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગના મતે આગામી એક સપ્તાહ સુધી તાપમાનમાં કોઈ મોટો ઘટાડો નોંધાશે નહીં.
દરિયાકાંઠાના વિસ્તારો પરેશાન
દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘હોટ એન્ડ હ્યુમિડ’ એટલે કે ભારે બફારાવાળું વાતાવરણ રહેશે. ભેજનું પ્રમાણ ઊંચું હોવાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફની હોવાથી ગરમીનો અહેસાસ વધુ તીવ્ર બની રહ્યો છે.
