વર્ષ ૧૯૯૪થી ગુનાખોરીની દુનિયામાં વર્ચસ્વ ધરાવતો અને ડોન અબ્દુલ લતીફનો સાગરિત નઝીર વોરાની સામે પ્રશાસન અને પોલીસે લાલ આંખ કરી છે.
જુહાપુરામાં અનેક જમીનો પચાવી પાડીને ગેરકાયદેસર બાંધકામો કરનાર નઝીર વોરા સામે અત્યાર સુધીમાં ૨૫થી વધુ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે.
નઝીર સામે ધાક ધમકી, મારામારી, ખંડણી , હત્યાની કોશિશ સહિતના ગુનાઓ દાખલ થતાં જુહાપુરામાં તેનું જોરદાર વર્ચસ્વ હતું. જેના કારણે લોકો તેનાથી ડરતા હતા અને તેની સામે કાયદાકીય રીતે લડવા માટે એક નહિ પરંતુ દસ વાર વિચાર કરતા હતા.
જોકે, જુહાપુરા વાસીઓને પ્રેમ સુખ દહેલું જેવા ડીસીપી મળતા તેમણે જુહાપુરાને જાણે ક્રાઇમ મુકત બનાવવાની કસમ ખાઈ હોય તેમ એક પછી એક જુહાપુરામાંથી મોટા મોટા ગુનેગારોને કાયદાનું ભાન કરાવી રહ્યા છે.
નઝીર વોરા સામે લેન્ડ ગ્રેમ્બિગનો ગુના ની ફરિયાદ દાખલ થઈ હતી જે ગુનામાં તે નાસ્તો ફરતો હતો જોકે બે ત્રણ દિવસ પહેલા જ તેણે વકીલ મારફતે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ વેજલપુર પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તો બીજી તરફ આજે સોમવારે પ્રશાસન દ્વારા નઝીર વોરાની ગેરકાયદેસર બાંધકામ વાળી બિલ્ડિંગનો હિસ્સો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અણબનાવ ન બને તે માટે વેજલપુર પીઆઈ સહિતના કાફલાએ ખડે પગે ઉભા રહીને બિલ્ડિંગ તોડી પડાવામાં મદદ કરી હતી.

ઉલેખનીય છે કે , ગેંગસ્ટર નઝીર વોરાની એક પછી એક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યું છે. જેના કારણે નજીરની હવે આર્થિક રીતે પણ હાલત ખરાબ થઈ ગઈ છે. જ્યારે બીજી તરફ તેની સામે અનેક ગુનાઓ દાખલ છે ત્યારે કાયદાની દૃષ્ટિએ તેની હાલત વધુ કફોડી થઈ રહી છે. હવે તેને ખ્યાલ આવી રહ્યું હશે કે કાયદા નામની પણ કોઈ વસ્તુ આ દુનિયામાં છે.
