Maharashtra News: મહારાષ્ટ્રના પુણે (Pune) જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 30 વર્ષીય દીપ્તિ ચૌધરી (Deepti Chaudhary) એ તેના સાસરિયાના ઘરે ફાંસી લગાવી આત્મહત્યા (Suicide) કરી લીધી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દીપ્તિને દહેજ (Dowry) માટે સતત ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, તેના ચારિત્ર્ય પર શંકા કરવામાં આવતી હતી અને ગર્ભાવસ્થામાં તેના પર અત્યાચાર થયા હોવાના પણ ગંભીર આરોપો સોમે આવ્યા છે.
આ તમામ માનસિક અને શારીરિક પીડા વચ્ચે દીપ્તિએ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
દહેજ (Dowry) ની લાલચમાં દીપ્તિ પર અત્યાચાર કરવામાં આવ્યાં
પોલીસના જણાવ્યા મુજબ, દીપ્તિ ચૌધરી (Deepti Chaudhary) ના લગ્ન 23 નવેમ્બર, 2019ના રોજ રોહન કારભારી ચૌધરી સાથે થયા હતા. લગ્ન બાદ પરિવારને આશા હતી કે દીપ્તિનું જીવન સુખમય રહેશે, પરંતુ થોડા મહિનાઓમાં જ તેનું જીવન નર્ક સમાન બની ગયું. આરોપ છે કે પતિ રોહન દીપ્તિના ચારિત્ર્ય પર શંકા રાખતો હતો અને નાની નાની બાબતોને લઈને સતત તેને અપમાનિત અને હેરાન કરતો હતો.
આટલું જ નહીં સાસરિયાઓનો પૈસાનો લોભ દિવસેને દિવસે વધતો ગયો હતો. ધંધામાં નુકસાન થયું હોવાનું કારણ આપીને તેઓએ દીપ્તિના માતાપિતા પાસેથી સતત પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. લાચાર માતાપિતાએ શરૂઆતમાં 10 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

ત્યારબાદ કાર ન મળવાનો મુદ્દો ઉઠાવી પતિએ 25 લાખ રૂપિયાની માંગણી કરી, જે દીપ્તિના પરિવારે ચૂકવી દીધી. આટલાથી પણ સંતોષ ન થતાં, સાસરિયાઓએ દીપ્તિના 25 તોલા સોનાના દાગીના પણ પોતાના કબજામાં લઈ લીધા હતા. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી સરપંચ, તેની સાસુ અને પતિની ધરપકડ કરી છે.
લિંગ પરીક્ષણ અને ગર્ભપાત (Abortion) ના દબાણે લીધો દીપ્તિનું જીવ
દીપ્તિને પહેલેથી એક પુત્રી હતી, પરંતુ તેના સાસરિયાં પુત્રીના જન્મથી નારાજ હતા. બીજી વખત ગર્ભવતી બન્યા બાદ દીપ્તિને સતત માનસિક ત્રાસ સહન કરવો પડ્યો. સાસરિયાંએ તેને બળજબરીથી લિંગ પરીક્ષણ માટે લઈ ગયા.
જ્યારે જાણવા મળ્યું કે ગર્ભમાં ફરી પુત્રી છે, ત્યારે દીપ્તિને તેની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત (Abortion) માટે દબાણ કરવામાં આવ્યું. આ સતત અપમાન અને માનસિક દબાણથી કંટાળીને, દીપ્તીએ 24 જાન્યુઆરીના રોજ તેના સોરતાપવાડી સ્થિત ઘરે ફાંસી લગાવી આત્મહત્યા (Suicide) કરી.
હાલ દીપ્તિની માતાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેમાં દહેજ (Dowry) મૃત્યુ સહિત PCPNDT એક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં પતિ રોહન અને સાસુ સુનિતા ચૌધરીની ધરપકડ કરી છે. જ્યારે સસરા અને દિયરનું નામ પણ FIRમાં નોંધવામાં આવ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે.
