Gujarat News : અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નવી દિશા મળવાની છે. ભારતની પહેલી હાઈ-સ્પીડ રેલ સેવા શરૂ થવાની તૈયારી વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેન સ્ટેશનોની આસપાસ જાપાન મોડલ આધારીત વાણિજ્યિક કેન્દ્રો અને અદ્યતન શહેરી વિકાસ યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.
જાપાનના શિંકનસેન સ્ટેશનોની જેમ, બુલેટ ટ્રેન (Bullet Train)સ્ટેશનોની આસપાસ મલ્ટી-સ્ટોરી મોલ્સ, ઓફિસ ટાવર્સ, હોટલ્સ, રેસ્ટોરન્ટ ઝોન, કન્વેન્શન સેન્ટર્સ અને ઇવેન્ટ સ્પેસ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરી વિકાસ વિભાગો તેમજ રેલ્વે વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવશે.
જાપાન મોડલ પરથી પ્રેરણા

જાપાનમાં હાઈ-સ્પીડ ટ્રેન સ્ટેશનોને મેટ્રો, લોકલ ટ્રેનો, બસ ટર્મિનલ અને ટેક્સી હબ સાથે એક જ સ્થળે એકીકૃત કરવામાં આવ્યા છે. આવી જ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અમદાવાદના કાલુપુર અને સાબરમતી સ્ટેશનો પર પણ વિકસાવવામાં આવી રહી છે.
તાજેતરમાં ગુજરાતના શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ એમ. થેન્નારાસનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે જાપાનની મુલાકાત લઈ હાઈ-સ્પીડ સ્ટેશનોની આસપાસ વિકસિત વ્યાપારી અને શહેરી માળખાનો અભ્યાસ કર્યો હતો. ટીમે ભૂગર્ભ શહેર સહિત ત્રણ મુખ્ય બુલેટ ટ્રેન (Bullet Train) સ્ટેશનોની મુલાકાત લીધી હતી.
હાઈ-સ્પીડ રેલ સ્ટેશન એરિયા પ્લાનિંગ ઓથોરિટી
રાજ્ય સરકારે હાઈ-સ્પીડ રેલ સ્ટેશન (HRS) એરિયા પ્લાનિંગ ઓથોરિટીની રચના કરી છે. આ ઓથોરિટીમાં અમદાવાદ, સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરો, એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી CEO, ચીફ ટાઉન પ્લાનર તથા ભારત–જાપાનના પ્રતિનિધિઓ સહિત કુલ દસ સભ્યો સામેલ છે.
આ ઓથોરિટી ગુજરાતના બુલેટ ટ્રેન (Bullet Train) સ્ટેશનોની આસપાસ જમીન સંપાદન, ટાઉન પ્લાનિંગ અને વ્યાપારી વિકાસની જવાબદારી સંભાળશે. JICA (જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી) ટેકનિકલ સપોર્ટ પણ આપશે.
મહારાષ્ટ્રમાં પણ વ્યાપક વિકાસ
મહારાષ્ટ્રમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્ટેશનની આસપાસ નાણાકીય અને કોર્પોરેટ હબ વિકસાવવામાં આવશે. થાણેને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી સાથે બિઝનેસ સેટેલાઇટ સિટી તરીકે, વિરારને હાઉસિંગ–લોજિસ્ટિક્સ–રિટેલ હબ તરીકે અને બોઇસરને ઔદ્યોગિક-વાણિજ્યિક શહેર તરીકે વિકસાવવાની યોજના છે.
બુલેટ ટ્રેન (Bullet Train)પ્રોજેક્ટની મુખ્ય વિગતો
અમદાવાદથી મુંબઈ વચ્ચે 508 કિમીનું અંતર બુલેટ ટ્રેન માત્ર 2 કલાક 58 મિનિટમાં પૂર્ણ કરશે. ટ્રેનની મહત્તમ ઝડપ 320 કિમી પ્રતિ કલાક રહેશે અને તે કુલ નવ સ્ટેશનો પર સ્ટોપેજ આપશે.
પ્રોજેક્ટમાં વાયડક્ટ્સ, પુલો, પર્વતીય ટનલ, ભૂગર્ભ તથા સમુદ્રની નીચેના માર્ગોનો સમાવેશ થાય છે, જે તેને દેશનો સૌથી જટિલ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવે છે.
Bullet Train ના ગુજરાતના પ્રસ્તાવિત સ્ટેશનો
કાલુપુર–સાબરમતી
ઉત્તરારસાંડા
આણંદ
વડોદરા
ભરૂચ
સુરત
વાપી
બિલીમોરા
Bullet Train ના મહારાષ્ટ્રના સ્ટેશનો
બોઇસર
વિરાર
થાણે
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ
