પંજાબ નેશનલ બેન્કના લગભગ 13500 કરોડનું ચૂનો લગાવી એન્ટિગુઆ ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીએ તેની કથિત ગર્લફ્રેન્ડ બારબરા જાબરિકા સાથે પણ પ્રેમનું નાટક કરી દગો આપ્યો હતો, બારબરાએ જણાવ્યું કે મેહુલ તેની સાથે ફલર્ટ કરતો હતો અને તેણે તેની ઓફિસમાં કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આટલું જ નહીં મેહુલે તેના ગ્રાહકોની જેમ નકલી હીરાની વીંટી અને ગળાનો હાર બારબરાને આપ્યો હતો. મેહુલે બારબરાને તેનું નામ ‘રાજ’ જણાવ્યું હતું.

ઇન્ડિયા ટુડેએ બારબરાને ટાંકતા કહ્યું છે કે મેહુલ ચોક્સીના વકીલોએ આ સમગ્ર મામલામાં બળજબરીથી તેનું નામ ખેંચ્યું છે. તેણે કહ્યું કે મેહુલે પહેલા તેની સાથે મિત્રતા કરી અને પછી ફલર્ટ કરવાનું શરૂ કર્યું. બારબરાએ કહ્યું કે મેહુલ ચોક્સીના કથિત અપહરણ સાથે તેને કંઈ લેવા દેવા નથી. તેણે કહ્યું કે મેહુલ ચોક્સીએ ગયા વર્ષે તેની સાથે મિત્રતા કરવાનું શરૂ કર્યું હતું તે પછી તે બંને મિત્રો બની ગયા હતા.

બારબરાએ જણાવ્યું કે ચોક્સીએ તેના ફ્લેટમાં કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. મને અને મારા પરિવારને આ સમગ્ર મામલે તનાવ છે. આ અગાઉ મેહુલ ચોક્સીએ ભારતમાં ન આવે તે માટે એક નવો દાવ રમ્યો હતો. તેણે એન્ટિગુઆ પોલીસને આપેલા ફરિયાદના પત્રમાં કહ્યું છે કે મને બળજબરીથી માર મારવામાં આવ્યો હતો અને ડોમિનિકા લઈ જવામાં આવ્યો હતો. તેણે અપહરણમાં સ્ત્રી મિત્ર બારબારા જાબરિકાનો હાથ હોવાનું કહ્યું હતું. મેહુલના આક્ષેપ પર બારબારાએ કહ્યું કે મેહુલનું અપહરણ કરવાની તેની ઘણી તકો હતી પરંતુ તેણે તે કર્યું નહીં. બારબારા ઘણા મેસેજ બતાવ્યા છે જેમાં તેમના સંબંધો વિશે માહિતી ઉપલબ્ધ છે.
“હું ચોક્સીની એક મિત્ર હતી. ચોક્સીએ પોતાને રાજ તરીકે ઓળખાવ્યો. ગયા વર્ષે મારી મુલાકાત દરમિયાન, મેહુલે મારી સાથે મિત્રતા કરી. તે મૈત્રીપૂર્ણ બન્યો અને પછીથી ફ્લર્ટ કરવાનું શરૂ કર્યું. મેહુલે મને ભેટ તરીકે હીરાની વીંટી અને બ્રેસલેટ આપ્યું હતું જે નકલી હોવાનું સામે આવ્યું છે.”

એટલું જ નહીં, આ ભાગેડુ હીરા વેપારીએ એવો પણ દાવો કર્યો છે કે એન્ટિગુઆ પોલીસના લોકોએ જ હુમલો કર્યો હતો. મેહુલે આ ફરિયાદ પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષથી હું બારબરા જાબરિકાના મિત્ર તરીકે એન્ટિગુઆમાં રહું છું. 23 મી મેએ તેણે મને ઘરેથી પીક-અપ કરવાનું કહ્યું હતું. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે 8-10 લોકો આવ્યા અને મને નિર્દયતાથી માર માર્યો. મેહુલે એમ પણ કહ્યું કે આ લોકો પોતાને એન્ટિગુઆ પોલીસ સાથે સંબંધિત હોવાનું જણાવી રહ્યા છે. હું મુશ્કેલથી હોશમાં હતો. તેઓ મારો ફોન, ઘડિયાળ અને વોલેટ લઈ ગયા. તેઓએ મને કહ્યું કે તેઓ મને લુંટવા નથી માંગતા અને મારા પૈસા પાછા આપી દીધા.

અપહરણમાં ગર્લફ્રેન્ડનો હાથ
આ ભાગેડુ હીરાના વેપારીએ દાવો કર્યો હતો કે જ્યારે મને માર મારવામાં આવ્યો ત્યારે બારબરાએ મારી મદદ કરી નથી. તેણે ન તો કોઈ મદદ માટે બોલાવ્યો કે ન તો કોઈ અન્ય રીતે મદદ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બારબરાએ જે કર્યું તે સાબિત કરે છે કે તે મને અપહરણ કરવાની આ આખી યોજનાનો અભિન્ન ભાગ હતી. એવું માનવામાં આવે છે કે જો પગલાં લેવામાં આવે છે અથવા એન્ટિગુઆ પોલીસ તપાસ કરે છે, તો મેહુલની ભારત પરત આવવામાં વધુ સમય લાગી શકે છે.
