Junagadh Girnar Ropeway Ticket Price Drop: જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મિની કુંભ મેળાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. આ મેળામાં આવતા લાખો ભક્તો માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે એક ખૂબ જ મહત્વનો અને આનંદદાયક નિર્ણય લીધો છે. ગિરનાર મહાદેવના દર્શન વધુ સરળ અને સસ્તા બને તે હેતુથી રોપ-વે (Ropeway) ની ટિકિટના દરમાં રૂ. 69નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.
જાણો હવે કેટલી રહેશે Ropewayની ટિકિટ?
ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, અત્યાર સુધી જે ટિકિટનો દર રૂ. 699 હતો, તે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ઘટાડીને માત્ર રૂ. 630 કરવામાં આવ્યો છે. આ રાહત દરનો લાભ ભક્તોને 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી, એમ કુલ પાંચ દિવસ માટે મળશે. ટિકિટના દરમાં આ ઘટાડાથી ખાસ કરીને બાળકો અને વૃદ્ધો સાથે આવતા મધ્યમવર્ગીય પરિવારોના ખિસ્સા પરનો બોજ ઘટશે.

મેળાના પાંચ દિવસ ભક્તોને જલસો
મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ગિરનારની કઠિન સીડીઓ ચઢવામાં અસમર્થ શ્રદ્ધાળુઓ માટે રોપ-વે આશીર્વાદ સમાન છે. માત્ર 10 મિનિટમાં તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચાડતી આ સફર પ્રવાસીઓ માટે રોમાંચક બની રહેશે. પ્રકૃતિ અને પરમેશ્વરનો અદભૂત સમન્વય માણવા આવતા ભક્તોમાં આ નિર્ણયથી ખુશીની લહેર જોવા મળી રહી છે.

ગિરનાર રોપ-વેની ખાસિયતો પર એક નજર
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ ભારતનો સૌથી ઝડપી રોપ-વે છે, જે પ્રતિ સેકન્ડે 6 મીટરની ઝડપ ધરાવે છે. આ પ્રોજેક્ટની ક્ષમતા એક કલાકમાં આશરે 800 મુસાફરોને લઈ જવાની છે, જેમાં હાલ 24 ટ્રોલી કાર્યરત છે અને એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે છે. 2.3 કિલોમીટર લાંબા આ રૂટમાં કુલ 9 ટાવર લગાવવામાં આવ્યા છે, જેમાં 6 નંબરનો ટાવર 67 મીટરની ઊંચાઈ સાથે સૌથી ઊંચો ટાવર છે. ખાસ કરીને ગિરનાર પર ફૂંકાતા 180 કિમીની ગતિના તેજ પવનનો સામનો કરી શકે તે માટે આ રોપ-વેને અત્યાધુનિક એરોડાયનેમિક ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
હેલિકોપ્ટર મારફતે બનાવવામાં આવેલો આ દેશનો પ્રથમ પ્રોજેક્ટ આજે લાખો લોકોની આસ્થા અને સુવિધાનું કેન્દ્ર બન્યો છે. જો તમે પણ આ શિવરાત્રીએ ગિરનાર જવાનું વિચારી રહ્યા હોવ, તો રોપ-વેની આ સસ્તી સફરનો લાભ લેવાનું ચૂકશો નહીં.
આ પણ વાંચો:પાવાગઢ જવાના હોવ તો આ ખાસ વાંચી લેજો, ભક્તો માટે 05 દિવસ બંધ રહેશે રોપ-વે સુવિધા..
આ પણ વાંચો:ગબ્બર પર રોપ-વે સુવિધા 6 દિવસ માટે રહેશે બંધ, યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈ તંત્ર દ્વારા નિર્ણય
આ પણ વાંચો:અંબાજીના ગબ્બર ગઢ ખાતે મેન્ટેનન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા ચાર દિવસ બંધ
