Gujarat News/ ઉંદર મારવા હવે ‘ગ્લુ ટ્રેપ’ નહીં ચાલે! ગુજરાતમાં સ્ટિકી બોર્ડ પર પ્રતિબંધ, ભંગ કરશો તો જેલ

ગ્લુ ટ્રેપ (Glue Trap)માં ખાસ પ્રકારનો ચીકણો પદાર્થ લગાવવામાં આવે છે. તેના પર ઉંદર ચોંટી ગયા બાદ તે પોતાને છોડાવવા માટે સતત સંઘર્ષ કરે છે

Top Stories Gujarat
ટ્રેપ (Glue Trap)ના ઉત્પાદનથી લઈને વેચાણ, સંગ્રહ અને ઉપયોગ સુધી પર પ્રતિબંધ (Glue Trap Ban in Gujarat)મૂકવામાં આવ્યો છે

Gujarat News : ગુંદરવાળા પૂઠાંથી ઉંદર (Rat)ને પકડવાની પદ્ધતિ પર ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરી છે. ગ્લુ ટ્રેપ (Glue Trap)ના ઉત્પાદનથી લઈને વેચાણ, સંગ્રહ અને ઉપયોગ સુધી પર પ્રતિબંધ (Glue Trap Ban in Gujarat)મૂકવામાં આવ્યો છે. આખરે સરકારને આ નિર્ણય કેમ લેવો પડ્યો? જાણો સમગ્ર મામલો.

ઘર, દુકાન, ગોડાઉન કે અનાજના સ્ટોરમાં ઉંદરોનો ઉપદ્રવ થાય ત્યારે તેમને પકડવા માટે અત્યાર સુધી ગુંદરવાળા પૂઠાં એટલે કે સ્ટિકી બોર્ડ અથવા ગ્લુ ટ્રેપ (Glue Trap)નો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. ઉંદર આ પૂઠા પર પગ મૂકતા જ તેમાં ચોંટી જાય છે અને બહાર નીકળવા માટે લાંબા સમય સુધી તરફડતો રહે છે.

આ પદ્ધતિથી ઉંદરને ગંભીર ઈજા અને અસહ્ય પીડા થતી હોવાના કારણે હવે ગુજરાતમાં તેના ઉપયોગ સામે કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ કેમ મૂક્યો?

ગ્લુ ટ્રેપ (Glue Trap)માં ખાસ પ્રકારનો ચીકણો પદાર્થ લગાવવામાં આવે છે. તેના પર ઉંદર ચોંટી ગયા બાદ તે પોતાને છોડાવવા માટે સતત સંઘર્ષ કરે છે. આ દરમિયાન તેના પગ, શરીર અને રૂંવાટીને ઈજા થઈ શકે છે.

કેટલાક કિસ્સામાં ઉંદરનું મોઢું અથવા નાક પણ ગુંદર સાથે ચોંટી જવાની સ્થિતિ સર્જાઈ શકે છે. લાંબા સમય સુધી ફસાયેલા રહેવાના કારણે ભૂખ, તરસ, ઈજા અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

આવી રીતે પ્રાણીને લાંબા સમય સુધી પીડા આપીને મારવાની પદ્ધતિને પ્રાણી કલ્યાણના નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે.

પ્રાણી ક્રૂરતા રોકવા માટેના કાયદાનો આધાર

પ્રાણીઓ સાથે ક્રૂરતા (Animal Cruelty Law)ન થાય તે માટે ભારતમાં Prevention of Cruelty to Animals Act, 1960 અમલમાં છે. પ્રાણીઓના કલ્યાણ અને તેમની સામે થતી ક્રૂરતા અટકાવવા માટે Animal Welfare Board of India (AWBI) પણ કાર્યરત છે.

ગ્લુ ટ્રેપમાં ફસાયેલા ઉંદર લાંબા સમય સુધી પીડા ભોગવે છે અને બહાર નીકળવામાં અસમર્થ રહે છે. આ કારણોસર ગ્લુ ટ્રેપના ઉપયોગને પ્રાણી સાથેની ક્રૂરતા સાથે જોડવામાં આવ્યો છે.

ગુજરાતના પ્રાણી કલ્યાણ સંબંધિત આદેશ હેઠળ હવે રાજ્યમાં ઉંદરોને પકડવા માટે ગ્લુ ટ્રેપના ઉપયોગ સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

હવે શું-શું નહીં કરી શકાય?

પ્રતિબંધનો અર્થ માત્ર ગ્લુ ટ્રેપનો ઉપયોગ બંધ કરવાનો નથી. તેના સંબંધિત અનેક પ્રવૃત્તિઓને પણ રોકવામાં આવી છે.

  • ગ્લુ ટ્રેપનું ઉત્પાદન નહીં કરી શકાય
  • ગ્લુ ટ્રેપનું વેચાણ નહીં કરી શકાય
  • તેનો સંગ્રહ કરી શકાશે નહીં
  • ઘર કે દુકાનમાં તેનો ઉપયોગ નહીં કરી શકાય
  • ગોડાઉન અને શોરૂમમાં પણ ઉપયોગ પર પ્રતિબંધ
  • ઉંદર પકડવા માટે ઓનલાઈન ખરીદી પણ મુશ્કેલીમાં મૂકી શકે છે

અર્થાત, બજારમાંથી ખરીદીને કે ઓનલાઈન ઓર્ડર કરીને ગ્લુ ટ્રેપનો ઉપયોગ કરવો પણ નિયમોના ભંગ તરફ લઈ જઈ શકે છે.

નિયમનો ભંગ કરશો તો કાર્યવાહી

સરકારી આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે છે. આ મામલે ત્રણ મહિના સુધીની જેલની સજાની જોગવાઈનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેથી માત્ર દુકાનદારો જ નહીં, પરંતુ ઘરમાં ઉંદર પકડવા માટે આવા ટ્રેપનો ઉપયોગ કરતા લોકો માટે પણ આ નિર્ણય મહત્વનો છે.

ઉંદરને મારવાને બદલે પકડવાની માનવીય પદ્ધતિ કેમ જરૂરી?

ઉંદરો(Rat)ને નિયંત્રિત કરવું જરૂરી હોઈ શકે છે, ખાસ કરીને ખોરાક, અનાજ અને જાહેર સ્વચ્છતાના સ્થળોએ. પરંતુ તેમને લાંબા સમય સુધી તડપાવીને મારવાને બદલે એવી પદ્ધતિ અપનાવવાની જરૂર છે જેમાં પ્રાણીને અનાવશ્યક પીડા ન થાય.

આ જ કારણસર પ્રાણી કલ્યાણ સાથે જોડાયેલી સંસ્થાઓ લાંબા સમયથી ગ્લુ ટ્રેપ જેવી પદ્ધતિ સામે વાંધો ઉઠાવતી રહી છે.

ગુજરાતમાં હવે શું બદલાશે? 

આ નિર્ણય બાદ ઉંદરો (Rat)ના નિયંત્રણ માટે ગ્લુ ટ્રેપના બદલે અન્ય મંજૂર અને ઓછા પીડાદાયક ઉપાયો તરફ ધ્યાન આપવું પડશે.

સરકારનો મુખ્ય હેતુ ઉંદરોના ઉપદ્રવને નિયંત્રિત કરવાની સાથે તેમને બિનજરૂરી અને લાંબી પીડાથી બચાવવાનો છે.

અર્થાત, ઉંદરથી છુટકારો મેળવવો હોય તો હવે ગુંદરવાળું પૂઠું લગાવવું ભારે પડી શકે છે.


આ પણ વાંચો : બેકરીમાં કેક કાઉન્ટર પર મરેલો ઉંદર લટકતો દેખાયો

આ પણ વાંચો : જવાહર ચાવડાના નિવેદનથી જૂનાગઢમાં રાજકીય તણાવ ચરમસીમાએ, ‘ઉંદર-દીપડો’ ટિપ્પણીથી વિવાદ

આ પણ વાંચો : ઑફિસમાંથી ઘરે જતાં તમને મરેલો ઉંદર જોવા મળે તો…જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ શાનો સંકેત છે?!!