Ahmedabad News: સાબરમતી નદીમાં ફીણવાળું અને દુર્ગંધયુક્ત પાણી છોડવાના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ સામે સવાલો ઉઠ્યા છે. ગાંધી આશ્રમ પાછળના વિસ્તારમાં નદીમાં ગંદુ પાણી (Sabarmati River Pollution) આવતું હોવાના વીડિયો સામે આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે, સવાલોના જવાબમાં અધિકારીઓએ માત્ર “તપાસ કરીને જણાવવામાં આવશે” એવો જવાબ આપતા ચર્ચા શરૂ થઈ છે.
Sabarmati River Pollution: સાબરમતીમાં ફીણવાળું પાણીનો વીડિયો વાયરલ
થોડા દિવસ અગાઉ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગાંધી આશ્રમ પાછળ સાબરમતી નદીમાં ફીણવાળું અને ગંદુ પાણી (Sabarmati River Pollution) આવતું હોવાનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં નદીના પાણીમાં ફીણ જોવા મળતા અને દુર્ગંધની ફરિયાદો સામે આવતા પર્યાવરણ તથા નદીની સફાઈને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.આ વીડિયો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિતના ભાજપના નેતાઓના ધ્યાન પર આવ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓને પૂછાયા સવાલો
6 ઓગસ્ટે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ઈજનેર વિભાગના અધિકારીઓને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.ચેરમેન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે સાબરમતી નદીમાં ફીણવાળું પાણી ક્યાંથી આવી રહ્યું છે અને તેનું કારણ શું છે? પરંતુ અધિકારીઓ તરફથી ચોક્કસ માહિતી આપવાને બદલે “તપાસ કરીને જણાવવામાં આવશે” એવો જવાબ આપવામાં આવ્યો હતો.
અધિકારીઓને માહિતી હોવા છતાં જવાબ ન આપ્યાનો આક્ષેપ
ચર્ચા મુજબ, ગાંધી આશ્રમ પાછળના વિસ્તારમાં જલવિહાર STP પ્રોજેક્ટ સાથે જોડાયેલા આઉટલેટ મારફતે પાણી છોડવામાં આવતું હોવાની માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓને હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.આ મુદ્દે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો અધિકારીઓને સ્થળ અને વ્યવસ્થા અંગે જાણકારી હતી તો સ્ટેન્ડિંગ કમિટીમાં સ્પષ્ટ જવાબ કેમ આપવામાં આવ્યો નહીં?
AMCની કામગીરી સામે ઉઠ્યા સવાલો
સાબરમતી નદીની સફાઈ અને પ્રદૂષણ નિયંત્રણ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે નદીમાં ગંદુ પાણી (Sabarmati River Pollution) અને ફીણ જોવા મળતા AMCની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.હવે આ મામલે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી તપાસમાં શું કારણ સામે આવે છે અને પ્રદૂષણ માટે જવાબદાર તંત્ર સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું મહત્વનું રહેશે.
આ પણ વાંચો:સાબરમતીમાં ગંદુ-પ્રદૂષિત પાણી જતું રોકવા પાંચ નવા STPનું આયોજન
આ પણ વાંચો:ગુજરાતની 13 નદીઓનું પાણી પીવાલાયક નહીં, પ્રદૂષણ ફેલાવતા 23 એકમો ધમધમતાં
આ પણ વાંચો:સાબરમતીમાં ઠલવતા ગંદા પાણી અંગે હાઇકોર્ટે કાઢેલી ઝાટકણી
