Panchmahal News/ ગોધરામાં ચાંદીપુરા વાયરસથી 3 અને 4 વર્ષના બે બાળકોના મોત, 682 આરોગ્ય ટીમો એક્શનમાં

ગોધરાના વીંઝોલ અને સરદારપુરા ગામમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)થી 3 અને 4 વર્ષના બે બાળકોના મોત. 682 આરોગ્ય ટીમો સર્વે, સેમ્પલિંગ અને ડસ્ટિંગની કામગીરીમાં જોડાઈ.

Top Stories Gujarat Others Breaking News
પંચમહાલમાં Chandipura Virusથી બે બાળકોના મોત

Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ને લઈને ચિંતા વધી છે. ગોધરાના વીંઝોલ અને સરદારપુરા ગામમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ 3 અને 4 વર્ષના બે બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

Chandipura Virusથી બે માસૂમ બાળકોના મોત

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર ચાર શંકાસ્પદ કેસોની ઓળખ કરવામાં આવી હતી. તેમાં બે બાળકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને તેમની સારવાર વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે અન્ય બે બાળકો સારવાર દરમિયાન જીવ ગુમાવી બેઠા છે.

મૃતક બાળકોની વિગતો:

વિરાજ રંગીતસિંહ ચૌહાણ (3 વર્ષ) – વીંઝોલ ગામ, ગોધરા

પ્રિન્સ જીતેન્દ્રભાઈ બારીઆ (4 વર્ષ) – સરદારપુરા ગામ, ગોધરા

682 આરોગ્ય ટીમો તૈનાત

બે બાળકોના મોત બાદ જિલ્લા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ કામગીરી શરૂ કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિતના જણાવ્યા મુજબ સમગ્ર પંચમહાલ જિલ્લામાં 682 આરોગ્ય ટીમો કાર્યરત છે.વીંઝોલ અને સરદારપુરા ગામમાં ખાસ 10 ટીમોને સર્વે, સેમ્પલિંગ અને આરોગ્ય તપાસ માટે તૈનાત કરવામાં આવી છે. ટીમો ઘર-ઘર જઈને લોકોની તપાસ કરી રહી છે તેમજ શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂનાઓ એકત્ર કરીને લેબમાં મોકલી રહી છે.

ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી

સરકારની માર્ગદર્શિકા અનુસાર જ્યાં કેસ નોંધાયા છે તે વિસ્તારની 100 મીટરની ત્રિજ્યામાં ડસ્ટિંગ અને ઇન્સેક્ટિસાઇડ સ્પ્રેઇંગ કરવામાં આવી રહ્યું છે. ચાંદીપુરા વાયરસ  (Chandipura Virus) ફેલાવતી સેન્ડ ફ્લાય (રેતીની માખી)નો નાશ કરવા ખાસ અભિયાન હાથ ધરાયું છે.

વાલીઓને ખાસ અપીલ

આરોગ્ય વિભાગે વાલીઓને બાળકોની તંદુરસ્તી અંગે સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. જો બાળકને તાવ, ઊલટી, ઝાડા, ખેંચ અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની સલાહ આપવામાં આવી છે.

2024માં પણ નોંધાયા હતા કેસ

ઉલ્લેખનીય છે કે જુલાઈ 2024 દરમિયાન પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ના રાજ્યમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા હતા, જેમાં 7 બાળકોના મોત થયા હતા. તે સમયે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV)ની ટીમોએ જિલ્લામાં સર્વે કરીને 14 ગામોમાંથી 600થી વધુ માનવ બ્લડ સેમ્પલ, 271 પશુઓના બ્લડ સેમ્પલ અને 200થી વધુ સેન્ડ ફ્લાયના નમૂનાઓ એકત્ર કર્યા હતા.

Chandipura Virusથી બચવા શું કરવું?

આરોગ્ય નિષ્ણાતો અનુસાર નીચેની સાવચેતી રાખવી જરૂરી છે:

બાળકોને સંપૂર્ણ બાંયના કપડાં પહેરાવો.

ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો.

મચ્છર અને સેન્ડ ફ્લાયથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરો.

તાવ, ઊલટી, ઝાડા અથવા ખેંચ આવે તો તરત હોસ્પિટલનો સંપર્ક કરો.

કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખો.


આ પણ વાંચો:રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ચાંદીપુરા વાયરસનો કેસ નથી નોંધાયો, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસ બાદ માલ્ટા તાવનું જોખમ વધ્યું, જાણો આ બિમારીના લક્ષણો વિશે

આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત