Gandhinagar News/ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008 કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 38ની ફાંસી યથાવત, હર્ષ સંઘવીએ કહ્યું- આતંકવાદ સામે મોટી જીત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast)માં અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો

Top Stories Gujarat
આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ ‘વર્ષ-2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast)કેસ’માં નામદાર ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા આપવામાં આવેલા ચુકાદાને આવકાર્યો હતો

Gandhinagar News : આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ ‘વર્ષ-2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast)કેસ’માં નામદાર ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા આપવામાં આવેલા ચુકાદાને આવકાર્યો હતો. તેમણે આજના દિવસને દેશના ઇતિહાસનો એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ચુકાદો માત્ર અમદાવાદ કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને દુનિયાના તમામ શાંતિપ્રિય દેશો માટે આતંકવાદ સામેની લડાઈમાં એક બહુ મોટો અને મજબૂત સંદેશ છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ વધુમાં જણાવ્યું હતું કે, 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast)માં અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે તે તમામ નિર્દોષ આત્માઓને, તેમના પરિવારોને અને નાગરિકોને સાચો ન્યાય મળ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખીને 38 આતંકવાદીઓને ફાંસીની સજા અને 11 આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે, જે ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો છે.

સંઘવીએ ગુજરાતના તમામ નાગરિકો વતી  હાઈકોર્ટ, નીચલી અદાલત અને સમગ્ર ઇન્વેસ્ટિગેશન ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ મજબૂત ન્યાય અપાવવા પાછળ તપાસ ટીમે વર્ષો સુધી કોઈ પણ પ્રકારની કાયદાકીય ક્ષતિ કે બાંધછોડ વિના રાત-દિવસ એક કરીને જે પ્રશંસનીય કામગીરી કરી છે, તે ખરેખર બિરદાવવા લાયક છે. આ ચુકાદો સ્પષ્ટપણે સાબિત કરે છે કે, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ચુકાદાના ભાગરૂપે આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા નિર્દોષ મૃતકોના પરિવારોને રૂ.10 લાખની સહાય અને જેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને રૂ.5 લાખની આર્થિક મદદ પહોંચાડવાનો જે હાઈકોર્ટ દ્વારા આદેશ થયો છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા સંવેદનશીલતાપૂર્વક તાત્કાલિક અસરથી અમલમાં લાવીને ચૂકવવામાં આવશે. આ સરકાર પીડિત પરિવારોની સાથે સદાય પડખે ઊભી છે તેમ નાયબ મુખ્યમંત્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું.


આ પણ વાંચો : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 38ની ફાંસી યથાવત, 11ને આજીવન કેદ, મૃતકોને ₹10 લાખ વળતર

આ પણ વાંચો : જાણો,અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને શું આપી સજા

આ પણ વાંચો : જાણો કેમ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો આજે ચુકાદો ના આવ્યો