ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલ એક અજાણ્યા યુવાનના મૃતદેહની પોલીસ દ્વારા ઓળખ કરી તેની હત્યા કરનાર તેના મિત્રને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ગોધરામાં ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં દારૂ પીવાની બાબતે તકરાર થતા મિત્ર એ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે.
પંચમહાલ જીલ્લાના ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાં આવેલા કાલુશા કબ્રસ્તાનમાંથી તા.૧૦-૧૧-૨૦૧૯ ના રોજ એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. જેની જાણકારી પોલીસને મળતા જીલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું ફલિત થયું હતું.
પરંતુ આ યુવાનના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી હતી. આથી મૃતદેહની ઓળખ પોલીસ માટે પડકારરૂપ બની હતી, પોલીસ દ્વારા યુવાનની ઓળખ માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસે આજુબાજુના રહીસોને ઘટના સ્થળે બોલાવી તેમજ એફ એસ એલ અને ડોગ સ્કોવડની મદદથી તપાસ હાથધરી હતી. પરંતુ યુવાનની ઓળખ શક્ય બની નહોતી , અંતે પોલીસે અજાણ્યા ઇસમ વિરુધ હત્યાનો ગુન્હો નોધી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી મૃતદેહની ઓળખ કરવા માટેની કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.
પોલીસ દ્વારા ગુજરાત ગૃહ વિભાગના અધ્યતન ટેકનોલોજીથી સજ્જ એવા ઈ ગુજ્કોપ પ્રોજેક્ટ હેઠળ આવતા ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટીફીકેશન સીસ્ટમ (AFIS) ના લાઇટ આઉટ સર્ચ મોડયુલનો ઉપયોગ કરી મૃતદેહના ઓનલાઇન ફીંગર પ્રિન્ટ લઇ રાજય સ્તરના ફીંગર પ્રિન્ટ ડેટાબેઝમાં સર્ચ કરતા, આ મૃતદેહના ફીંગર પ્રિન્ટ ડેટાબેઝમાં નંદનસિંહ ઉદેસિંહ કટારા રહે. રાયણવાડી સોસાયટી ગોધરા નામની વ્યકતી સાથે મેચ થઇ આવતા આ નામની વ્યકતીના વાલીવારસોનો સંપર્ક કરતા તેઓએ આ લાશ નંદનસિંહ ઉદેસિંહ કટારા રહે. રાયવાડી સોસાયટી ગોધરાની હોવાનુ ઓળખી બતાવતા ગણતરીના કલાકોમાં જ અજાણ્યા મૃતદેહની ઓળખ કરી હતી.
મૃતદેહની ઓળખ થયા બાદ પોલીસ દ્વારા આ હત્યા કેમ અને કોના દ્વારા કરવામાં આવી છે તે અંગેની પણ તપાસને વધુ સઘન બનાવી હતી, પોલીસને અંગત બાતમીદારો તેમજ ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ દ્વારા માહિતી મળી હતી કે મૃતક નંદનસિંહ કટારા ગઇ તા. ૯/૧૨/૨૦૧૯ ના રોજ રાત્રીના આશરે સાતેક વાગ્યાના સુમારે ગોધરાના ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા નદીની ધસ પાસે રહેતા યાસીન યુસુફશા અબ્દાલની સાથે ગોધરા નગરપાલીકા પાસેથી ચાલતા જતા હતા, જેથી આ નંદનસિંહ ઉદેસિંહ કટારાની હત્યા તેના મિત્ર યાસીન યુસુફશા અબ્દાલ નાઓએ કરેલ હોવાની શંકા પ્રબળ બની હતી. જેથી પોલીસે યાસીન યુસુફશા અબ્દાલના ઘરે જઈ તપાસ કરતા યાસીન તેના ઘરેજ મળી આવ્યો હતો જેની અટકાયત કરી તેની સઘન પૂછપરછ કરતા યાસીને તેના મિત્ર નંદનસિંહની હત્યા કર્યા હોવાનું કબુલ્યું હતું , તપાસ દરમિયાન યાસીનએ પોલીસને જણાવ્યું હતું કે દારૂ પીવા માટે બન્ને મિત્રો કબ્રસ્તાનની તૂટલી દીવાલ પર બેઠા હતા અને બાદમાં દારૂ પીવાની બાબતે નંદનસિંહ સાથે તકરાર થઇ હતી.
આ તકરાર દરમિયાન બન્ને દીવાલ પરથી નીચે ઉતરી ગયા હતા. અને તકરાર ઉગ્ર બનતા યાસીને તેના મિત્ર નંદનસિંહને લાત મારતા નંદનસિંહ કબરની તકતી પર પટકાયો હતો અને ત્યાં જ ઢળી પડ્યો હતો. દરમિયાન યાસીનને વધુ ગુસ્સો આવતા તેણે બાજુમાં જ પડી રહેલ ઈટથી નંદનસિહના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઇ ગયો હતો. આમ દારૂ પીવાની બાબતે મિત્ર એ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું , પોલીસે હાલ યાસીન અબ્દાલની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
