Business News : સોનાની હોલમાર્કિંગ ફી (Hallmarking Fee)માં 66.7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 14 સપ્ટેમ્બર 2026થી લાગુ થયેલા નવા દર મુજબ સોનાના દરેક આર્ટિકલ માટે હવે ₹45ને બદલે ₹75 ચૂકવવાના રહેશે. ચાંદી માટેની હોલમાર્કિંગ ફી ₹35 યથાવત રાખવામાં આવી છે. ફીમાં થયેલા આ વધારાને પગલે જ્વેલરી વેપારીઓમાં ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને આગામી તહેવારો અને લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને આ વધારાની અસર ગ્રાહકો સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હોલમાર્કિંગ ફીમાં સીધો ₹30નો વધારો
નવા નિયમ પ્રમાણે સોનાના દાગીના (Gold Jewellery)ની હોલમાર્કિંગ ફી (Hallmarking Fee)વજનના આધારે નહીં પરંતુ પ્રતિ આર્ટિકલ લેવામાં આવશે. અગાઉ એક આર્ટિકલ માટે ₹45નો ચાર્જ હતો, જે હવે વધારીને ₹75 કરવામાં આવ્યો છે. એટલે કે પ્રતિ પીસ ₹30નો વધારો થયો છે.
જોકે, એક કન્સાઈનમેન્ટ માટેની ન્યૂનતમ ફી ₹200 યથાવત રાખવામાં આવી છે. આ ઉપરાંત A&H સેન્ટર પાસેથી BIS હોલમાર્કિંગ (BIS Hallmarking) માટે વસૂલવામાં આવતી ફી પણ પ્રતિ આર્ટિકલ ₹4.50થી વધારીને ₹7.50 કરવામાં આવી છે. નવા દર પર લાગતો ટેક્સ અલગથી વસૂલવામાં આવશે.
રોજ લાખો દાગીના હોલમાર્કિંગ માટે જાય છે
જ્વેલરી માર્કેટમાં હાલ સોનાના ભાવ (Gold Prices) ઊંચા હોવાના કારણે ગ્રાહકી પર પણ અસર જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં આશરે 60 કરોડ પીસ પર HUID પ્રક્રિયા (HUID Process) પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે દરરોજ અંદાજે 3 લાખ નવા પીસ હોલમાર્કિંગ માટે મોકલવામાં આવે છે.
આવા સમયે હોલમાર્કિંગના ખર્ચમાં વધારો જ્વેલર્સ માટે વધારાનો ખર્ચ બની શકે છે. ખાસ કરીને નાના આર્ટિકલ અને ઓછી કિંમતના દાગીના ખરીદતા ગ્રાહકો માટે પ્રતિ આર્ટિકલ આધારિત ફીનો પ્રભાવ વધુ જોવા મળી શકે છે.
જ્વેલર્સે સરકાર પાસે સબસિડીની માંગ કરી
જ્વેલર્સ એસોસિએશન (Jewellers Association) તરફથી હોલમાર્કિંગ ફીમાં ઘટાડો કરવાની સાથે સરકાર દ્વારા સબસિડી આપવાની માંગ કરવામાં આવી છે. જાણીતા જ્વેલર્સ દીપક ચોકસીએ જણાવ્યું કે સોનાના ભાવમાં વધારો અને ઓછી ગ્રાહકી વચ્ચે હોલમાર્કિંગ ચાર્જમાં આટલો મોટો વધારો વેપારીઓ અને ગ્રાહકો બંને માટે પડકારરૂપ બની શકે છે.
તેમના જણાવ્યા પ્રમાણે અગાઉ ₹45નો ચાર્જ ચૂકવાતો હતો, જ્યારે હવે તેમાં ₹30નો વધારો થયો છે. તેમણે સરકારને આ વધારાના ખર્ચમાં રાહત આપવા અથવા સબસિડીની વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.
નવરાત્રીથી લગ્નસરા સુધી ખર્ચની અસરની શક્યતા
આગામી સમયમાં નવરાત્રી, દશેરા, પુષ્ય નક્ષત્ર, દિવાળી, ધનતેરસ અને લાભ પાંચમ જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારબાદ લગ્નસરાની સિઝન પણ શરૂ થશે. ભારતીય પરિવારોમાં આ પ્રસંગોએ સોનાની ખરીદીનું મહત્વ હોવાથી જ્વેલર્સનું કહેવું છે કે હોલમાર્કિંગ ચાર્જમાં થયેલા વધારાની અસર આ સમયગાળા દરમિયાન વધુ સ્પષ્ટ થઈ શકે છે.
જ્વેલરી ઉદ્યોગ માટે હવે મુખ્ય મુદ્દો એ છે કે વધેલો હોલમાર્કિંગ ખર્ચ વેપારીઓ કેટલો વહન કરે છે અને કેટલો ખર્ચ અંતે ગ્રાહકો સુધી પહોંચે છે. બીજી તરફ જ્વેલર્સ સરકાર પાસેથી સબસિડી અને ફીમાં રાહતની માંગ કરી રહ્યા છે.
