Gondal News: ગોંડલ તાલુકાના ધુડસીયા ગામેથી માનવતાને શરમાવે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરના પાડોશીઓ અને નજીકના કૌટુંબિક ભાઈઓના સતત માનસિક ત્રાસ, ધાક-ધમકી અને હેરાનગતિથી કંટાળીને એક ખેડૂતે ઝેરી દવા પી આપઘાત (Gondal farmer suicide) કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આપઘાત પહેલાં ખેડૂતે પોતાના મોબાઈલમાં એક ભાવુક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો, જેમાં તેમણે પોતાની પીડા અને આરોપીઓના નામજોગ ખુલાસા કર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, ધુડસીયા ગામના ખેડૂત મહેન્દ્રભાઈ છેલ્લા ઘણા સમયથી ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. ખેતરના પાણીના પ્રશ્નને લઈને પાડોશીઓ સાથે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર, આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી તેમના ખેતરમાં જતું પાણી બંધ કરી દીધું હતું અને પાણીના રસ્તા પર માટીનો મોટો પાળો બાંધી દીધો હતો.
મહેન્દ્રભાઈએ વીડિયોમાં જણાવ્યું હતું કે, તેઓ કોઈ અધિકારી કે કલેક્ટર પાસે ફરિયાદ કરે તો પણ આરોપીઓ ખુલ્લેઆમ કહેતા હતા કે “પાળો નહીં તૂટે અને પાણી નહીં જવા દઈએ.” સતત અપમાન અને ધમકીઓના કારણે તેઓ માનસિક રીતે તૂટી ગયા હતા.

ખેતરમાં ઘૂસણખોરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ
મૃતકે વીડિયોમાં આરોપ મૂક્યો હતો કે, તેઓ જ્યારે પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા ત્યારે આરોપીઓ આવીને ટ્રેક્ટર બંધ કરાવી દેતા હતા. એટલું જ નહીં, પૂછ્યા વગર તેમના ખેતરમાં ટ્રેક્ટર ફેરવી જતા અને વિરોધ કરવા પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. મહેન્દ્રભાઈએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આરોપીઓએ તેમના પરિવારને આર્થિક અને સામાજિક રીતે દબાણમાં રાખ્યો હતો. એક લગ્ન પ્રસંગે તેમની ઈચ્છા વિરુદ્ધ પૈસાની લેવડદેવડ પણ કરાવવામાં આવી હતી. “જો વ્યવહાર નહીં કરો તો પાણી નહીં મળે,” એવી ધમકી આપવામાં આવી હતી.
Gondal farmer suicide: વીડિયોમાં લીધા આરોપીઓના નામ
મૃતકે વીડિયોમાં કેટલાક વ્યક્તિઓના નામ જાહેર કરીને તેમને જવાબદાર ગણાવ્યા હતા. જેમાં કાના માધા, હરેશ કાનજી, બાલા કાના અને સાગર બાલાના નામોનો સમાવેશ થાય છે. સાથે જ એક વૃદ્ધ વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમના ઈશારે સમગ્ર ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
‘મારો દીકરો ખૂબ ભોળો છે…’
આપઘાત પહેલાં બનાવેલા વીડિયોમાં મહેન્દ્રભાઈ ભાવુક થઈ પોતાના પરિવાર અને ગામલોકોને સંદેશ આપતા જોવા મળ્યા હતા. તેમણે વિનંતી કરી હતી કે, “મારો દીકરો ખૂબ ભોળો છે, તેને ખેતીમાં ન રાખતા. તેને બીજો કોઈ ધંધો કરાવી દેજો. હું હવે આ ત્રાસ સહન કરી શકતો નથી.”તેમણે ગામલોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, “મારું બલિદાન એળે ન જવા દેતા. મારા ગયા પછી આ લોકોને કડક સજા કરાવજો જેથી ભવિષ્યમાં કોઈ બીજા ગરીબ ખેડૂત સાથે આવું ન થાય.”
હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત
21 મેના રોજ બપોરે મહેન્દ્રભાઈએ ઝેરી દવા (Gondal farmer suicide) પીધી હોવાની જાણ પરિવારને કરી હતી. ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં પહેલા ગોંડલ અને પછી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું.આ ઘટનાએ સમગ્ર ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે. મૃતક પોતાના પાછળ વૃદ્ધ પિતા, પત્ની, એક દીકરી અને ધોરણ 12ની પરીક્ષા આપેલો દીકરો છોડી ગયા છે.
Gondal farmer suicide અંગે પોલીસ તપાસ શરૂ
આ સમગ્ર મામલે સુલતાનપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકના મોબાઈલમાંથી મળેલા વીડિયોને મહત્વના પુરાવા તરીકે ગણવામાં આવી રહ્યો છે. પોલીસે કેટલાક આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.ખેડૂત (Gondal farmer suicide) માટે પાણી અને જમીન જીવન સમાન હોય છે, પરંતુ જ્યારે પોતાના જ લોકો દુશ્મન બની જાય ત્યારે એક સામાન્ય માણસ કેટલી હદે લાચાર બની શકે તેનું આ ઘટના જીવંત ઉદાહરણ બની છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 25 દિવસમાં આર્થિક સંકડામણના કારણે 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર
આ પણ વાંચો:દ્વારકામાં આર્થિક સંકડામણમાં વધુ એક ખેડૂતનો આપઘાત, કૉંગ્રેસે કર્યા આકરા પ્રહાર
આ પણ વાંચો:રાજ્યમાં વધુ એક ખેડૂતના આપઘાતથી અરેરાટી, રાજકોટના રેવાણિયા ગામના દાનાભાઈ જાદવનું દુઃખદ અંત
