જાહેર જીવનમાં કામ કરતી વ્યક્તિઓ કે સમાજ સેવકો એ હંમેશા પોતાના કાર્યમાં જોશની સાથે હોશ રાખવો જરૂરી છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઇટાલીયા સમાજસેવાના જોશમાં હોંશ ગુમાવતા તેમજ તેમનો જીભ લપસતા હવે તેઓ ફરી એક વખત વિવાદમાં ઘેરાયા છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમની વિરુદ્ધ સાત અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ અપશબ્દનો પ્રયોગ કર્યો હતો. હવે આ મુદ્દે નવો વિવાદ શરૂ થયો છે. એટલું જ નહીં પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલીયા જાહેર જીવનમાં રહેલી વ્યક્તિઓ માટે કરવામાં આવતી ટીકા ટીપ્પણી કરવાનું બંધ કરી ગુજરાતની જનતા સમક્ષ માફી માંગે.
વાત જાણે કે એમ છે કે હાલમાં રાજ્યમાં વાવાઝોડુ તૌકતે આવ્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયા પર સક્રિય હતા. તેઓ લોકો પાસેથઈ વાવાઝોડાની માહિતી મેળવી રહ્યાં હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ એક ફેસબુક પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, તમારા વિસ્તારમાં અત્યારે વાવાઝોડાની શું સ્થિતિ છે? વિસ્તારના નામ સાથે જણાવો.
આ દરમિયાન પોસ્ટ પર ની પ્રતિક્રિયા આપતી વેળાએ તેઓ ન કરવાની ટિપ્પણી કરી બેસ્યા હતા.ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટ પર ઉમેશ મારડિયા હિંદુ પ્રજાપતિ નામના એક યૂઝરે કોમેન્ટ કરી હતી. ઉમેશ મારડિયાએ ગોપાલ ઈટાલિયા પાસે દારૂની બોટલની માંગ કરી હતી. ત્યારબાદ ગોપાલ ઈટાલિયાએ તેને વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિશે અપશબ્દ કહ્યા હતા. હવે પાટીલે આ મામલે ફરિયાદ નોંધાવી છે.

