કેન્દ્ર સરકારના સિનિયર કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયાએ ખેડૂતોના હિતમાં ખાતરમાં ભાવ વધારાના મામલે કેન્દ્ર દ્વારા સબસીડી આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્રની સબસીડીના કારણે કોઇપણ કંપની ભાવવધારો લેશે નહીં એ પણ જાહેરાત કરી હતી તો બીજીબાજુ આજની સ્થિતિએ પણ ગુજરાતમાં ખેડૂતો પાસેથી ખાતરના વધેલાં ભાવ લેવામાં આવતા હોવાના પુરાવા સાથેની રજૂઆત કરીને ભારતીય કિસાન સંઘે ખેડૂતો પાસેથી લેવાતો ખાતર ભાવવધારો લેતી કંપની પાસે કાર્યવાહી કરવાની માગ કરી છે.
દિપાવલી પર્વ દરમિયાન કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયાએ ખેડૂતોના હિતમાં ખાતરનો ભાવ વધારા માટે કંપનીને સબસીડી ચૂકવવાની જાહેરાત કરી હતી. કંપનીને સબસીડી ચૂકવાશે પરિણામે કોઇ ખેડૂત પાસેથી કંપની ખાતરનો ભાવ વધારો વસૂલ લઇ શકશે નહીં ,એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. દિપાવલીપર્વ પહેલાં કરેલી જાહેરાત બાદ આજે દિપાવલીપર્વ પછી પણ ખેડૂતોને ખાતરના વધેલા ભાવે જ ખાતર ખરીદવું પડે છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરી આ અંગેના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. ભારતીય કિસાન સંઘે કરેલી રજૂઆતમાં વધુ ભાવ લેનારી સહકારી મંડળી સામે પગલાં લેવાની માગ કરવામાં આવી છે. હાલમાં રવિપાકના વાવેતરની મોસમ છે ત્યારે ખેડૂતો પાસેથી કંપનીઓ દ્વારા નિર્ધારિત ભાવ કરતાં વધુ ભાવ લેવાતાં ખેડૂતોને બેવડો આર્થિક ફટકો પડ્યો છે.પરિણામે જૂના ભાવે જ ખાતર આપવાની માગ પણ ખેડૂતોએ કરી છે. ખેડૂતોના હિતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરેલી જાહેરાતનો ખાતર વેચાણ કરતી કંપની અમલ કરી ખેડૂતોને રાહત આપે તો ખેડૂતોને આર્થિક ફાયદો થઇ શકે છે. ખેડૂતોને ન્યાય ક્યારે મળશે?
