Ahmedabad News : આવતીકાલે 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે દર વર્ષની જેમ નીકળતી રથયાત્રામાં આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમ વાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આવતીકાલે સવારે પહિંદ વિધિ પહેલાં ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા આજે જગન્નાથ મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર અંગેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું અને તેનું નિરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન અને આરતી કરવામાં આવી છે. મુખ્યમંત્રીની સાથે ભાજપના ધારાસભ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા પણ દર્શન અને આરતીનો લાભ લેવામાં આવ્યો હતો.
148મી રથયાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર
ભગવાન જગન્નાથની રથયાત્રામાં ક્યારેય પણ રથયાત્રા પહેલાં ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું નથી, ત્યારે 148મી રથયાત્રામાં ગુજરાત પોલીસના જવાનો ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપશે. જે જગ્યાએ ગાર્ડ ઓફ ઓનર અપાશે ત્યાં રથની આજુબાજુ સ્પેશિયલ એક્શન ફોર્સ (SAF)ના જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા છે. આ ફોર્સમાં 4 મહિલા જવાનો પણ રાખવામાં આવી છે.
ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 148મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યા આરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીનાં દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી. જગન્નાથજી મંદિરે પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યાં બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો માટે સામાજિક સમરસતા મહોત્સવ બની છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે.
AIની મદદથી સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન કરવામાં આવ્યો
મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પર્યાયરૂપ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે તે માટે ભગવાનન જગન્નાથજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા AIની મદદથી સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન કરવામાં આવ્યો છે તેમજ 17 જેટલાં નાગરિક સહાયકતા કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યા છે.આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ દિનેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, સ્થાનિક ધારાસભ્યો, અમ્યુકોના ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાને ખાસ સોના વેશમાં ભક્તોને દર્શન આપ્યા
આજે રથયાત્રાના એક દિવસ પહેલા ભગવાને ખાસ સોના વેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. વર્ષમાં એક જ વાર ભગવાન જગન્નાથ સોના વેશ ધારણ કરે છે. જેમાં આજે ભગવાને સોનાના આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યો હતો. જગતના નાથ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’ ના નાદ સાથે જગન્નાથ મંદિર ગુજ્યું હતું.
ભગવાનની વેશભૂષા ધારણ કરેલા બાળકો રથમાં બેસીને મંદિરમાં આવ્યા
સૌપ્રથમ વખત રથ પૂજન માટે જ્યારે રથો જગન્નાથ મંદિરમાં લાવવામાં આવ્યા ત્યારે ભગવાનની વેશભૂષા ધારણ કરેલા બાળકોને રથમાં બેસાડીને મંદિરમાં લાવવામાં આવ્યા હતા. દર વર્ષે માત્ર રથ ખાલી ખેંચીને મંદિરમાં લાવવામાં આવતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ઉત્સવ કમિટી દ્વારા નાના બાળકોને વિવિધ ભગવાન અને માતાજીની વેશભૂષા ધારણ કરીને રથમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રથને મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા અને ત્યારબાદ રથનું પૂજન કરાયું હતું.રથયાત્રા પહેલા ભગવાન જે રથમાં બેસીને આવતીકાલે નગરચર્યાએ નીકળવાના છે તેવા ત્રણેય રથનું આજે પૂજન કરવામાં આવ્યું હતું.
પંરપરાગત રીતે રથયાત્રા પહેલા ગજરાજ અને રથની પૂજન વિધિ કરવામાં આવે છે. ત્યારે આજે ભગવાનની શાહી સવારી એવા રથને પંરપરાગત રીતે મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. ભગવાનના રથો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ઢોલ નગારાના તાલ સાથે હર્ષોઉલ્લાસ સાથે રથ મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. મંદિરના પ્રાંગણમાં ભગવાનના અતિપ્રિય રાસ ગરબા આદિવાસી નૃત્યુ કરવામાં આવ્યું હતું. જેની સાથે પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી.બાળકોએ દેવી-દેવતાઓનો શણગાર કર્યો
જગન્નાથ મંદિર પ્રાંગણમાં રથ પૂજન પહેલા બાળકો અવનવી વેશભૂષા સાથે પહોંચ્યા હતા. બાળકો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓનું સ્વરૂપ વેશભૂષામાં ધારણ કરવામાં આવ્યું હતું. ઉત્સવ કમિટી દ્વારા બાળકોને અલગ અલગ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા હતા. બાળકોએ ભગવાન ગણેશજી, ભોળાનાથ, નવદુર્ગા સહિતના દેવી-દેવતાઓનો શણગાર ધારણ કર્યો હતો. તમામ બાળકો રથ પૂજન પહેલા મંદિરમાં રથમાં સવાર થઈને આવ્યા હતા. ત્યારબાદ રથ પૂજન કરવામાં આવ્યું હતું.રથયાત્રા દરમિયાન મોસાળ સરસપુરમાં ભવ્ય ભંડારાનું આયોજન
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન તેમના મોસાળ સરસપુરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આજ સવારથી જ સરસપુરમાં ભક્તિમય માહોલ જામ્યો છે. ભગવાન જગન્નાથજીનાં દર્શને આવતા ભાવિક ભક્તો માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરસપુરની પોળોમાં ભાવિક ભક્તોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવશે, જેમાં પૂરી, શાક, દાળ, ભાત અને મિષ્ટાન્નનો સમાવેશ થાય છે.વિધ પોળોમાં વૈવિધ્યસભર ભોજન-પ્રસાદ
સરસપુરની વિવિધ શેરીઓ અને પોળોમાં ભક્તોને વિવિધ પ્રકારનો ભોજન-પ્રસાદ મળશે. ક્યાંક દાળ-ભાત, શાક, પૂરી, મિષ્ટાન્ન તો ક્યાંક પૂરી-શાક અને બુંદી-લાડુનો પ્રસાદ ઉપલબ્ધ હશે.કઈ કઈ પોળમાં ભંડારો થશે
કડિયાવાડની પોળ
ગાંધીની પોળ
રૂડીમાની પોળ
લીમડાપોળ
પીપળાપોળ
અમલીવાદ
મોટી સાળવીની પોળ
ઠાકોરવાસ
એક લાખથી વધુ ભક્તો પ્રસાદનો લહાવો લેશે: શ્રી મહાકાળી ધામના મહંત
શ્રી મહાકાળી ધામના મહંત રાજુભાઈ માળીના જણાવ્યા અનુસાર, અંદાજે એક લાખથી સવા લાખ જેટલા ભાવિક ભક્તો આ ભંડારાના પ્રસાદનો લહાવો લેશે. સરસપુરમાં આવેલી લગભગ 18થી 19 પોળોમાં રસોડાં ચાલી રહ્યાં છે, જ્યાં બુંદી-લાડુ, પૂરી-શાક, દાળ-ભાત જેવી વાનગીઓ બનતી હોય છે. આ પ્રસાદી દરેક ભાવિક ભક્તો, સંતો અને મહંતોને પીરસવામાં આવે છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો કાર્યક્રમ
સવારે 4 વાગ્યે મંગળા આરતી, અમિત શાહ પરિવાર સહિત હાજર રહેશે
સવારે 4:30 વાગ્યે વિશિષ્ટ ભોગ, ખીચડાનો ભોગ ધરાવાશે
સવારે 5:00 વાગ્યે રથમાં ભગવાનનો પ્રવેશ, ભગવાનનું પ્રિય આદિવાસી નૃત્ય થશે
સવારે 7:00 વાગ્યે મુખ્યમંત્રી પહિંદવિધિ કરશે, રથયાત્રાનો પ્રારંભ
સવારે 7:30 વાગ્યે: રથયાત્રાની શરૂઆત થશે
બપોરે 12:30 વાગ્યે: મોસાળ પહોંચશે અને 8:30 વાગ્યે નિજ મંદિર પરત પહોંચશે
રાત્રે 8:30 વાગ્યે: ભગવાન મંદિર બહાર જ રથમાં રહેશે
નોંધ: ભગવાન પોતાની પત્ની રુક્મિણી કમણીજીને લીધા વિના નગરચર્યા પર નીકળી જાય છે, જેને લઈને તેઓ નારાજ થઈ જાય છે, જેના કારણે ભગવાનને મંદિર બહાર રોકાવું પડે છે. બીજા દિવસે સવારે ભગવાનને ઢોલ-નગારાં સાથે મંદિરમાં પાછા સ્થાપિત કરવામાં આવશે
‘ક્યારેય એવું બન્યું નથી કે કોઈ ભાવિક ભૂખ્યા રહ્યા હોય કે જમવાનું ખૂટ્યું હોય’
રાજુભાઈએ ઉમેર્યું હતું કે આટલાં વર્ષોથી સરસપુરમાં ભંડારા થતા આવ્યા છે, પરંતુ ક્યારેય એવું બન્યું નથી કે કોઈ ભાવિક ભૂખ્યા રહ્યા હોય કે જમવાનું ખૂટ્યું હોય. જ્યારે ભાણેજ (ભગવાન જગન્નાથજી) અહીં આવે છે ત્યારે ખૂબ જ હર્ષોલ્લાસ હોય છે. 15 દિવસ ભાણેજ અહીં રહે છે, ત્યાર બાદ નિજ મંદિર પરત ફરે છે અને ફરીથી અષાઢી બીજે રથયાત્રા લઈને આવે છે, ત્યારે પણ ભાવિક ભક્તો તેમનાં દર્શનનો લહાવો લેતા હોય છે.રૂડીમાની પોળમાં 600 કિલો બુંદી, પૂરી-શાક બનાવાયાં
રૂડીમાની પોળમાં રહેતાં ભારતીબેને જણાવ્યું હતું કે તેમની પોળમાં છેલ્લી 4 પેઢીથી ભંડારાનું આયોજન થઈ રહ્યું છે. તેમના કહેવા પ્રમાણે સૌથી પહેલા પ્રસાદ બનાવવાની શરૂઆત અહીંથી થઈ હતી. આ વર્ષે પણ દર વર્ષની જેમ 600 કિલો બુંદી, પૂરી અને શાક બનાવવામાં આવ્યાં છે.કડિયાની પોળમાં 100-100 કિલો બુંદી-ફૂલવડી બનીકડિયાની પોળમાં ભંડારા માટે 100 કિલો બુંદી, 100 કિલો ફૂલવડી, 300 કિલો પૂરી, 500 કિલો મિક્સ સબ્જી, 100 કિલો ભાત અને 100 કિલો દાળ જેવી સામગ્રીઓ બનાવવામાં આવી છે.ગાંધીની પોળમાં વર્ષોની પરંપરા મુજબ લોકો નીચે બેસીને જમે છે
ગાંધીની પોળના પ્રમુખ સૂરજ શાહે જણાવ્યું હતું કે અહીંની ખાસિયત એ છે કે કોઈ પ્રોફેશનલ રસોઈયા પ્રસાદ નથી બનાવતા, પરંતુ પોળના નરેન્દ્રભાઈ જ બધું સંભાળે છે. બીજી એક ખાસિયત એ છે કે અહીં કોઈ બુફે સિસ્ટમ નથી હોતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ લોકો નીચે બેસીને જમે છે. આ વર્ષે 400 કિલો મોહનથાળ, 300 કિલો ફૂલવડી, 250 કિલો બટાટાનું શાક અને 300 કિલો પૂરી બનાવવામાં આવી છે.રથયાત્રાના 16 કિમીના રૂટ પર 23,884 સુરક્ષાકર્મી તહેનાત
આવતીકાલે રથયાત્રામાં લાખોની સંખ્યામાં જનમેદની ઊમટશે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે પોલીસ એલર્ટ છે. દર વર્ષ કરતાં આવતીકાલે નીકળનારી 148મી રથયાત્રામાં અત્યારસુધીનો સૌથી મોટો પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ વખતે સુરક્ષામાં ટેક્નોલોજી પર પોલીસે વધુ ભાર આપ્યો છે. પહેલી વખત AIનો ઉપયોગ ક્રાઉડ કંટ્રોલ અને ફાયર એલર્ટ માટે કરવામાં આવશે. તો બીજી તરફ બોડીવોર્ન કેમેરા, ડ્રોન, જીપીએસ સહિતનાં સાધનોને પણ ઉપયોગ કરાશે.રથયાત્રાનો રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયો
રથયાત્રાનો સમગ્ર રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયો છે. રૂટ પર પોલીસ, પેરામિલિટરી, રેપિડ એક્શન ફોર્સ સહિતના સુરક્ષા જવાનો તહેનાત છે. છેલ્લા ઘણા સમયથી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી, જેને આજે આખરી ઓપ આપવામાં આવ્યો છે. રથયાત્રા નિજ મંદિર સુધી પરત નહિ ફરે ત્યાં સુધી પોલીસ ખડેપગે રહેશે.
CM ભૂપેન્દ્ર પટેલે સુરક્ષા અંગે સમીક્ષા બેઠક કરી
આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસકર્મીઓ મળી કુલ 23,884 સુરક્ષા કર્મી રથયાત્રામાં પોતાની ડ્યૂટી નિભાવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રા સફળતાથી પાર પડે એ માટેની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાને બોલાવેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક પણ હાજર રહ્યા હતા.ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે AIનો ઉપયોગ
રથયાત્રામાં પોલીસ જવાનોની સાથે સાથે ટેક્નોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે.
રથયાત્રામાં સૌપ્રથમવાર AIનો ઉપયોગ કરવામાં આવશે. ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે AIનો ઉપયોગ થશે. આ સાથે ટ્રક અને અખાડાનાં વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા જીપીએસનો ઉપયોગ કરાશે.16 કિમી પરની સમગ્ર રથયાત્રા દરમિયાન મૂવિંગ બંદોબસ્ત દ્વારા રથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે 4500 જેટલા વધુ પોલીસકર્મીઓ તહેનાત કરાયા છે. ટ્રાફિકજામ થાય નહીં એ માટે 1000 ટ્રાફિક-પોલીસ કર્મચારીઓ અને 23 ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
240 ધાબા પોઇન્ટ, 25 વોચ ટાવર પર પોલીસ તહેનાત
આ સિવાય ટેક્નોલોજીની વાત કરીએ તો 227 કેમેરા, 70 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા તૈયાર છે, જે લોકોની દરેક મૂવમેન્ટ પર નજર રાખશે. પોલીસ ટેરેસ ઉપરથી પણ લોકો ઉપર ચાંપતી નજર રાખશે. બંદોબસ્ત મુજબ 240 ધાબા પોઈન્ટ અને 25 વોચ ટાવર પર પોલીસ કર્મચારીઓ તહેનાત રહે છે, જે લાઈવ મોનિટરિંગ કરશે. રથયાત્રા દરમિયાન ભક્તો-શહેરીજનોની મદદ માટે 17 જન સહાયતા કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરાયાં છે.રાજ્યમાં 213 રથયાત્રા નીકળે છે
અમદાવાદ સહિત રાજ્યમાં 213 કરતાં વધુ સ્થળે રથયાત્રા નીકળે છે. રથયાત્રાનો આ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઊજવાય એ માટે રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
ચેતવણીનાં સૂચક બોર્ડ લગાવાયાં
રથયાત્રાના રૂટ પર આવેલાં 484 જૂનાં અને જર્જરિત મકાનોનો સહારો લોકો રથયાત્રા જોવા માટે ન લે એ હેતુસર શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ચેતવણી સૂચક બોર્ડ તેમજ પતરાંની આડશો મૂકીને લોકોને ત્યાં જતા અટકાવવા માટેનાં જે પગલાં લેવામાં આવ્યાં છે એની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
પોલીસે 250થી વધુ બેઠકો શહેરીજનો સાથે કરી
આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જન સહાયતા કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની 177, મહોલ્લા સમિતિની 235 તેમજ મહિલા સમિતિની 57 બેઠકો, વિવિધ ધર્મગુરુઓ સાથે 21 બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે 10 બેઠકો યોજવામાં આવી હતી.
ફાયરબ્રિગેડની ટીમ સ્ટેન્ડબાય
ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માટે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે. રથયાત્રાનું આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના પ્રયત્નો કરી લેવાયા છે. ફાયરબ્રિગેડની સાથે સાથે 108 એમ્બ્યુલન્સની ટીમો પણ તહેનાત રહેશે.
આ પણ વાંચો:જામનગર : શહેરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન
આ પણ વાંચો:અમદાવાદ ચંડોળા ડિમોલિશન ફેઝ-2: ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું
આ પણ વાંચો:તળાવમાં ડિમોલિશનઃ દાદાનો સંદેશ અતિક્રમણ મુક્ત શહેરો

