Gandhinagar News: ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી પટ્ટો ફરી એકવાર સત્તાનાં સમીકરણો નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે, પરંતુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા અત્યારથી જ રાજકીય કવાયત શરૂ કરી દીધી છે.
46 બેઠકો પર આદિવાસી મતદારોનું મહત્ત્વ, AAP, કોંગ્રેસ અને bjp મેદાને
ગુજરાતની કુલ વસ્તીના આશરે 14.8 ટકા એટલે કે 89.17 લાખ આદિવાસીઓ છે. વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે, જ્યારે અન્ય 19 સામાન્ય બેઠકો પર પણ આદિવાસી મતદારો હાર-જીતનું ગણિત બદલી શકે છે. રાજ્યની દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ લોકસભા બેઠકો પણ એસ.ટી. માટે અનામત છે.
2017થી 2022માં બદલાયાં રાજકીય સમીકરણો
એક સમયે આદિવાસી (Tribal)પટ્ટો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 15 અને ભાજપે 9 એસ.ટી. અનામત બેઠકો જીતી હતી. જોકે, 2022માં ભાજપે 27માંથી 23 બેઠકો જીતીને રાજકીય સમીકરણો બદલી નાખ્યાં હતાં. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે ચારેય અનામત બેઠકો જીતી હતી.
15 નવેમ્બરે ભાજપનું આદિવાસી વિસ્તારોમાં શક્તિપ્રદર્શન
ભગવાન બિરસા મુંડા (Birsa Munda)ની જન્મજયંતી નિમિત્તે 15 નવેમ્બરે ભાજપ આદિવાસી વિસ્તારોની 54 બેઠકો પર કાર્યક્રમો યોજવાની તૈયારીમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)ની ઉપસ્થિતિમાં રૂ. 2300 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજવાનું આયોજન છે.
કોંગ્રેસ સામે ગઢ પાછો મેળવવાનો પડકાર
બીજી તરફ, આમ આદમી પાર્ટી ચૈતર વસાવા (Chaitar Vasava)ના નેતૃત્વમાં આદિવાસી અધિકારોના મુદ્દે સક્રિય છે. કોંગ્રેસ સામે ગુમાવેલો જનાધાર પાછો મેળવવાનો પડકાર છે, જ્યારે બીટીપી (BTP) પણ પોતાનું રાજકીય સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરી શકે છે. જમીન અધિકાર, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને રોજગારી જેવા પ્રશ્નો વચ્ચે 2027માં આદિવાસી મતદારો કોની તરફ વળે છે, તેના પર સૌની નજર રહેશે.
આ પ્રમાણે વાંચો: ‘આતંકી હુમલો કરનારાઓની હેકડી કાઢી નાખી’, પૂર્વ સૈનિક પુનર્મિલન સમારોહમાં CM યોગીનો PM મોદી સરકાર પર ભાર
આ પ્રમાણે વાંચો: ઝારખંડમાં આદિવાસી મહિલાની ક્રૂર હત્યા, શરીરના અંગો કઢાઈમાં રાંધ્યાનો આરોપ
આ પ્રમાણે વાંચો: આદિવાસી વિસ્તારોમાં જમીનના પ્રશ્નોનો આવશે ઉકેલ? સરકાર નવી SOP લાવવાની દિશામાં
