અમદાવાદ.
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નિવૃત્ત આર્મીમેનના પુત્રને ધમકી આપીને તેની પાસેથી દારૂની 3 બોટલ પડાવી લઈને 60 હજારનો તોડ કરવાના મામલે ભીનું સંકેલાઈ ગયાની વાતો સામે આવી રહી છે.
પીએસઆઈ અને અન્ય 3 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવા માટે નાયબ પોલીસ કમિશનરે જ આદેશ કર્યો હતો. જો કે આ આદેશ બાદ ફરિયાદ યુવકે જ ફરિયાદ કરવાનું માંડી વાળતા સવાલો ઉઠ્યા છે.
એવી પણ આશંકાઓ છે કે તોડ કરનાર પીએસઆઈ કે તેના ઉપરી અધિકારી તરફથી તેના પર દબાણ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે નરોડા રોડ પર દર્શન વિલા સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મીમેનનો પુત્ર દુબઈથી પરત ફરેલા તેના 2 મિત્રો સાથે કારમાં આવી રહ્યો હતો એ દરમિયાન કૃષ્ણનગર પોલીસ મથકના પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ દ્વારા તેની કારની તલાશી લેવામાં આવી હતી.
કારમાંથી વિદેશી દારૂની 3 બોટલ મળી આવી હતી. જેથી પોલીસ ત્રણેયને પોલીસ ચોકી પર લઈ ગઈ હતી અને કેસ કરવાની ધમકીઓ આપી 60 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જે અંગેનો અહેવાલ મીડિયામાં પ્રકાશિત થતા ઉચ્ચ પોલીસ અધિકારીએ આ મામલે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. જો કે હવે નિવૃત્ત સૈન્યકર્મીના પુત્રએ જ ફરિયાદ કરવાનું માંડી વાળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ચોંકાવનારી બાબતએ જાણવા મળી હતી કે યુવક અને તેના એક્સ આર્મિમેન પિતા પર સ્થાનિક પોલીસ અધિકારીઓનું દબાણ આવ્યું હતું. એવું કયું કારણ હતું કે ડીસીપી સમક્ષ રજુઆત કરનાર યુવકે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય બદલી નાખ્યો. યુવક અને તેના પિતા પર દબાણ લાવનાર કોણ. યુવક અને તેના પિતા પર કઈ બાબતનું દબાણ કરવામાં આવ્યું હતું. ડીસીપીએ આદેશ કર્યો હોવા છતાં પોલીસ ઈન્સ્પેક્ટર કેમ ફરિયાદ લેવા તૈયારી દર્શાવતા નથી આવા અનેક સવાલો સર્જાયા છે.
