અમદાવાદ,
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારના વીરભૂમિ મેદાન ખાતે એક શહીદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ દિવસ નિમિતે આયોજિત કરવામાં આવેલી આ શહીદ કથાનો મુખ્ય હેતુ આઝાદી પહેલાના અને આઝાદી બાદ દેશ માટે શહીદ થયેલા જવાનો પ્રત્યે જ્ઞાતિવાદના વાળા ભૂલી સમાજના દરેક વર્ગના લોકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાડવાનો તેમજ આ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો હતો.
દેશમાં હાલના દિવસોમાં રામાયણ, મહાભારત સહિતના અનેક ધાર્મિક ગ્રંથો પર કથાઓ યોજવામાં આવતી હોય છે પરંતુ દેશના વીરો પ્રત્યે એક રાષ્ટ્રભક્તિની ભાવના ઉભી કરવાના હેતુથી નિકોલ વિસ્તારના વિશ્વમાં પહેલીવાર એક શહીદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની સેનાની ત્રણ પાંખો આર્મી, નેવી અને એરફોર્સને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસ સુધી આયોજિત કરવામાં આવેલી આ કથાના માધ્યમ દ્વારા શહીદોની વીરગાથા અંગે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ વીરોની યશગાથા યોગેશદાન ગઢવીના મુખે લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
આ કથાનું આયોજન ૨૩,૨૪ ૩૫ માર્ચ એમ ત્રણ દિવસ સુધી કરવામાં આવ્યું હતું અને અલગ અલગ માધ્યમ દ્વારા દેશના વીરોની અંગે એક રાષ્ટ્રભાવના ઉભી કરવામાં આવી હતી.
૨૩ માર્ચ શહીદ દિવસથી શરુ થયેલી આ શહીદ કથાના પ્રથમ દિવસે નિકોલ વિસ્તારમાં ૨.૫ કિમી લાંબી ૧૦ અલગ-અલગ મશાલ યાત્રા કાઢવામાં આવી હતી અને આ મશાલ યાત્રાની કમાન પણ શહેરના શહીદ જવાનોના પરિવારજનોને સોપવામાં આવી હતી.
જયારે આ મશાલ યાત્રા નિકોલ વિસ્તારમાં નીકળી હતી. ત્યારે લોકોએ કોઈ પણ જાતના વિક્ષેપ કે જ્ઞાતિને ભૂલીને તેનું ભવ્યતાથી ભવ્ય સ્વાગત કર્યું હતું. અંદાજે ૭૦૦૦થી વધુ લોકો આ યાત્રામાં જોડાયા હતા.

ત્યારબાદ આ કથાના બીજા દિવસે સમાજના જુદા જુદા વર્ગની ૬૦થી વધુ મહિલાઓએ ૧ કિલોમીટર જેટલા વિસ્તારમાં દેશભક્તિને લગતી રંગોળીને રોડ પર અંકિત કરી હતી અને દેશના વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ રંગોળીના કાર્યક્રમની શરૂઆત બપોરના ૧.૩૦ વાગ્યે શરુ થઇ હતી અને આ ૬૦થી વધુ મહિલાઓએ ૪૬ ડીગ્રી તાપમાનમાં પણ દેશના શહીદો અંગે રંગોળી કરી હતી. આ રંગોળી કાર્યક્રમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
શહીદ કથાના ત્રીજા દિવસે એટલે કે રામનવમીના રોજ ૮૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રમાણે દેશની સંસ્કૃતિમાં પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ તેમજ કોઈ અન્ય દેવી-દેવતાઓની પૂજા કે આરતી કરતા હોય છે ત્યારે આ કથાના અંતિમ દિવસે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા આ સપૂતોની યાદમાં ૮૦૦૦ દીવડાઓની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં સમાજના તમામ વર્ગના લોકો પોતાના નિસ્વાર્થ પ્રેમથી જોડાયા હતા.
આ ઉપરાંત રામનવમીના દિવસે સંપન્ન થયેલી આ શહીદ કથાના અંતિમ દિવસે કથાના વક્તા યોગેશદાન ગઢવીએ ઉપસ્થિત લોકોને એક સંકલ્પ કરાવ્યો હતો.
યોગેશદાન ગઢવીએ લોકોને સંકલ્પ કરાવતા જણાવ્યું હતું કે, રામનવમીના દિવસે જયારે ભગવાન રામનો જન્મ થયો હતો. ત્યારથી તેઓ લોકોના મનમાં રામના નામને જગાડવામાં આવે છે. તે જ પ્રમાણે રાષ્ટ્રની રક્ષા અને માં ભારતી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા દેશના શહીદો પ્રત્યે લોકોમાં એક રાષ્ટ્રભક્તિની ભાવના જગાડવામાં આવે.
દરરોજ જે રીતે આપને દેવી-દેવતાઓને માનતા હોય છે. તે જ પ્રમાણે ભારત માતા પણ આપણી માતા છે. જેથી સંકલ્પ કરવામાં આવે કે દરરોજ સમાજના દરેક લોકો ભારત માતાની આરતી કરશે અને આપના દેશના શહીદોની યશગાથાને હંમેશા યાદ કરવામાં આવે કારણ કે અમે એક છીએ અને અમે પણ માં ભારતીના પુત્રો છે.
બીજી બાજુ આ કાર્યક્રમના આયોજન માટે કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું ન હતું કે કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા પણ આ કથાના આયોજન માટે સમાજના ૩૫૦થી વધુ કાર્યકર્તાઓ તેમજ ૧૫૦થી વધુ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ સ્વયંભૂ આ કથામાં જોડાયા હતા અને એક નિસ્વાર્થભાવે આ ભગીરથ કાર્યને પાર પાડ્યું હતું.
