Gujarat Local Body Election 2026:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ભાજપમાં વાયરલ થયેલી નનામી પત્રિકાએ રાજકીય વર્તુળોમાં તહેલકો મચાવ્યો છે. આ પત્રિકા BJPના લેટરહેડ જેવી દેખાતી હોવાથી તેની વિશ્વસનીયતા અંગે સવાલો ઉઠી રહ્યા છે, જ્યારે પાર્ટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી.
રાજ્ય ચૂંટણી પંચે 1 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું હતું. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન અને 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર થશે. આ ચૂંટણીમાં લગભગ 4.19 કરોડ મતદારો ભાગ લેશે અને મોડલ કોડ ઓફ કંડક્ટ લાગુ થઈ ગયો છે.

આ જ સમયે BJPમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. પાર્ટીએ સેન્સ પ્રક્રિયા, નિરીક્ષકોની બેઠકો અને ડિજિટલ પ્રોફાઈલનું મૂલ્યાંકન જેવા પગલાં લીધા છે. ત્યારે જ સોશિયલ મીડિયા પર એક નનામી પત્રિકા વાયરલ થઈ છે, જે BJPના અંદરની વ્યૂહરચના અને ઉમેદવારો માટેના માર્ગદર્શિકા તરીકે રજૂ થઈ છે.
BJPમાં નનામી પત્રિકાઓ વાયરલ થવાની પરંપરા વર્ષો જૂની!
મુખ્ય મુદ્દાઓમાં ઉમેદવારની લાયકાત અને પસંદગી માટે સ્પષ્ટ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેથી યોગ્ય અને પ્રતિબદ્ધ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે. સાથે જ “એક વ્યક્તિ એક પદ”ના સિદ્ધાંતને અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં ટિકિટ મળ્યા બાદ ઉમેદવારને સંગઠનની અન્ય તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપવું ફરજિયાત બનાવાયું છે.

પત્રિકામાં ગોપનીયતા અને શિસ્ત પર ખાસ ભાર મુકાયો છે. નિરીક્ષકોની બેઠક દરમિયાન થતી આંતરિક ચર્ચાઓ મીડિયા સુધી ન પહોંચે તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, કાર્યકરોમાં કોઈ નારાજગી ઊભી થાય તો તેને સમયસર સાંભળવા અને ઉકેલવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની પણ વાત કરવામાં આવી છે.
વ્યૂહરચનાના ભાગરૂપે, અન્ય પક્ષોના ઉમેદવારોની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી પડે ત્યારે અપક્ષ ઉમેદવાર ઊભો કરવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે, જેથી ચૂંટણીમાં પક્ષને વધુ ફાયદો મળી શકે.
આ પત્રિકા BJPના લેટરહેડ જેવી લાગતી હોવાથી તેને પાર્ટીની અંદરની “ગાઈડલાઈન્સ” તરીકે જોવામાં આવી રહી છે.ભાજપના વડોદરા સિટી પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ કહ્યું હતું કે, “પાર્ટીએ પહેલેથી જ માપદંડો જાહેર કર્યા છે. 60 વર્ષથી વધુ ઉંમરના, ત્રણથી વધુ ટર્મ પૂર્ણ કરનારા અને લોહીના સંબંધીઓને ટિકિટ નહીં મળે.” તેમણે પત્રિકાને પાર્ટીની અધિકૃત ગાઈડલાઈન્સ તરીકે સ્વીકારવાને બદલે “પહેલાના જેવા જ નિયમો” કહ્યા છે.
જોકે, પાર્ટીના અધિકૃત પ્રવક્તાઓ અથવા ઉચ્ચ સ્તરે હજુ સુધી આ વાયરલ પત્રિકા અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. આનાથી દાવેદારો અને કાર્યકરોમાં અસમંજસતા વધી રહી છે.ગુજરાત BJPમાં આવી નનામી પત્રિકાઓ વાયરલ થવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ચૂંટણી ટાણે અંદરની વાતો જાહેર કરવા માટે આ પદ્ધતિનો વારંવાર ઉપયોગ થાય છે. પત્રિકા મીડિયા સુધી પહોંચે ત્યારે તે સમાચાર બને છે અને તેનો હેતુ પૂરો થાય છે.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ! 10 હજારથી વધુ બેઠકો માટે ફોર્મ ભરાવવાના શરૂ
આ પણ વાંચો:ઉમરેઠની પેટાચૂંટણીમા ધારાસભ્યના પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વચ્ચે જંગ
આ પણ વાંચો:“2027માં બદલો લેશે કોળી સમાજ!” નવનીત બાલધિયાને કડક ચીમકી
