@ભાવેશ શર્મા
Kheda News: આજે ધોરણ 12 નું પરિણામ જાહેર થયું જેમાં ખેડા જિલ્લાનું પરિણામ 87.43% નોંધાયું છે જે અંતર્ગત ટોપર વિદ્યાર્થીઓમાં એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે રિક્ષા ચાલકના પુત્ર હોય કે પછી કોઈપણ ટ્યુશન વગર ટોપર માં તેમને પોતાનું સ્થાન મેળવ્યુ હોય. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં ટોપરમાં સ્થાન મેળવતા વિદ્યાર્થીઓના પરિવારજનો તેમજ સ્નેહીજનો માં ખુશીની લહેર છવાઈ ગઈ.
નડિયાદના વાણીયાવાડ વિસ્તારમાં ફતેપુરા રોડ પર આવેલી શ્રી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા નીતિનભાઈ રાવલ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા નડિયાદ શહેરમાં સ્વતંત્ર રીતે રિક્ષા ચલાવે છે જ્યારે તેમના પત્ની જ્યોતિબેન ગૃહિણી છે. તેમને 3 બાળકો છે. તેમાંથી સૌથી મોટી દીકરી જાગૃતિ, દીકરો રૌનક અને સૌથી નાનો દીકરો ધ્રુવ છે. નાના પુત્ર ધ્રુવે આજે જાહેર થયેલા બોર્ડના પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં 99.48 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યો છે અને ગુજકેટમાં પણ 99.90 ટકા રેન્ક મેળવી રાવલ પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. પરિણામ બાદ સવારથી જ ધ્રુવના મિત્રો અને સંબંધીઓ તેને તેની સફળતા બદલ અભિનંદન આપવા તેના ઘરે પહોંચી ગયા હતા.
ધ્રુવની સફળતા પર તેના પિતા નીતિનભાઈએ કહ્યું કે અમે ખુશ છીએ. અમારા બાળકોએ પણ અમને ઘણો સાથ આપ્યો છે અને અમને ગૌરવ અપાવ્યું છે. ધ્રુવને તેના અભ્યાસ માટે ટ્યુશન પણ નહોતું મળતું, તે પોતે મહેનત કરતો હતો. હું મારા પરિવાર માટે 25 વર્ષથી વધુ સમયથી રિક્ષા ચલાવું છું. મેં 6 મહિના પહેલા જ લોન પર નવી રિક્ષા લીધી હતી. પુત્રની સફળતા અંગે તેમણે જણાવ્યું હતું કે ત્રણેય બાળકો અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર છે અને નાનો પુત્ર ધ્રુવ બાળપણથી જ અભ્યાસમાં હંમેશા પ્રથમ આવે છે. તેમની કારકિર્દી આગળ વધે તે માટે મારા પરિવારની દેવીને બસ પ્રાર્થના. આ દરમિયાન ધ્રુવની સફળતા પર માતા જ્યોતિની આંખોમાં ખુશીના આંસુ છે. જ્યોતિએ કહ્યું કે મારા તમામ બાળકો અભ્યાસમાં હોશિયાર છે અને આજે ધ્રુવની સફળતા પર અમને ગર્વ છે. મારા બધા બાળકો તેમના સપના પૂરા કરશે.
ધ્રુવે કહ્યું, “આ સફળતા માટે જો કોઈ પ્રેરણા સ્ત્રોત હોય તો તે મારી માતા છે, મારા પિતા છે, જેઓ રિક્ષા ચલાવે છે. હું નાનપણથી જ મારા માતા-પિતાને સંઘર્ષ કરતા જોતો આવ્યો છું, તેથી મારું મન પહેલેથી જ અભ્યાસમાં લાગેલું હતું. આ પહેલા પણ મેં 99.88 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.
આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ
આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો
આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….