Gujarat Census 2026 2027: ગુજરાતમાં આજથી (17 મે, રવિવાર) વસતી ગણતરીની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં આશરે 15 વર્ષના લાંબા ગાળા બાદ આ રાષ્ટ્રીય અભિયાન યોજાઈ રહ્યું છે. આ અંતર્ગત નાગરિકો 31 મે સુધી ઓનલાઈન પોતાની વિગતો જાતે અપલોડ એટલે કે ‘સેલ્ફ એન્યુમેરેશન’ કરી શકશે. સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાનું સેલ્ફ એન્યુમેરેશન કરીને આ ઝુંબેશની શરૂઆત કરાવી છે.
બે તબક્કામાં યોજાનારી આ વસતી ગણતરીનો પ્રથમ તબક્કો 1 જૂનથી 30 જૂન દરમિયાન ચાલશે, જેમાં કર્મચારીઓ ઘરે-ઘરે જઈને વિગતો એકત્રિત કરશે. જ્યારે બીજો તબક્કો 9 ફેબ્રુઆરી 2027થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન હાથ ધરાશે.
Census : પહેલીવાર પૂછવામાં આવશે આ 4 અનોખા સવાલો
આ વખતે વસતી ગણતરી દરમિયાન ઘરના મુખ્ય વ્યક્તિને કુલ 33 સવાલો પૂછવામાં આવશે. જોકે, બદલાતા સમય અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને જનગણનાના ઇતિહાસમાં પહેલીવાર 4 ખાસ સવાલો ઉમેરવામાં આવ્યા છે:
- તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો કે નહીં?
- તમારી પાસે સ્માર્ટફોન છે?
- શું તમે પીવા માટે ‘બોટલ્ડ વોટર’ (પેકેજ્ડ મિનરલ વોટર) વાપરો છો?
- ખોરાકમાં તમે કયું ધાન્ય (અનાજ) સૌથી વધુ ખાવ છો?

‘દેશના ભાવી માટે જરૂરી’ : સી.આર. પાટીલ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, “જનગણના 2027 એ દેશના ભાવી આયોજનનો મુખ્ય આધારસ્તંભ છે. સાચા આંકડાના આધારે જ નીતિ આયોગ અને સરકાર શિક્ષણ, આરોગ્ય અને બજેટની ફાળવણી યોગ્ય રીતે કરી શકશે.” તેમણે નાગરિકોને ખાતરી આપી હતી કે લોકો દ્વારા આપવામાં આવેલી તમામ વિગતો કાયદાકીય રીતે સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવે છે.
1.10 લાખથી વધુ કર્મચારીઓનો કાફલો મેદાનમાં
ગુજરાતના તમામ જિલ્લા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવા માટે 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ તૈયાર કરાયા છે. આ કામગીરી માટે 1,09,038 ગણતરીદારો અને 18,254 સુપરવાઇઝરોને ત્રણ તબક્કામાં વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.
બીજી તરફ, નવું શૈક્ષણિક સત્ર શરૂ થતું હોવાથી શિક્ષક અને પ્રોફેસર સંગઠનોએ તેમને આ કામગીરીમાંથી મુક્ત રાખવા માંગ કરી છે. વસતી ગણતરી નિયામક સુજલ માયાત્રાએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે આ વિષય રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં હોવાથી આખરી નિર્ણય સરકાર કરશે.
કોઈ મૂંઝવણ હોય તો ક્યાં સંપર્ક કરવો? વસતી ગણતરી અંગેની કોઈપણ પૂછપરછ કે મૂંઝવણ માટે ભારત સરકાર દ્વારા ટોલ-ફ્રી નંબર 1855 જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય નાગરિકો સત્તાવાર વેબસાઇટ www.censusindia.gov.in પર પણ વિગતો મેળવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વસતી ગણતરીનું કાર્ય કોરોના ગ્રહણનાં કારણે વિલંબમાં
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ
આ પણ વાંચો: દેશભરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ
