New Delhi News : મુખ્યપ્રધાન તરીકેનો બીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel)નવી દિલ્હીના એક દિવસની પ્રવાસ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Modi)અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah)સાથે સૌજન્ય મુલાકાત કરી અને આભાર માન્યો હતો. આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે એટલે કે 21 ડિસેમ્બરે એક દિવસના દિલ્હી પ્રવાસ પર છે.
મુખ્યપ્રધાનશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તેમાં પ્રચંડ બહુમતીથી જીત મેળવી હતી. ભુપેન્દ્રભાઈ પટેલે 1.92 લાખ મતથી ભવ્ય વિજય મેળવ્યો હતો અને જીત બાદ જનતાનો ખુબ ખુબ આભાર પણ માન્યો હતો. આપને જણાવી દઈએ કે ઘાટલોડિયા સીટ પહેલાથી જ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસે ભુપેન્દ્રભાઈ પટેલની સામે પોતાના ઉમેદવાર તરીકે અમી યાજ્ઞિકને ઉતાર્યા હતા પણ તેમની હાર થઈ હતી.
ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લીધા તેની સાથે જ તેઓ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે 16 પ્રધાનોએ પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 લોકોની ટીમ બની છે. જેમાં બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનુબેન બાબરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાના નામ સામેલ છે. ગુજરાત સરકારનું આ સૌથી નાનું મંત્રીમંડળ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો છે. જેમાં વડાપ્રધાનશ્રીના પ્રચાર સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ટકી શકયા નહીં. જો કે AAPને ચોક્કસપણે ફાયદો મળ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી.
આ પણ વાંચો: પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગૂ
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર! NTAની આ મોટી પરીક્ષા પણ સ્થગિત