દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ખાતપુરના મુવાડા ગામે ભાભોર ફળિયામાં રહેતા અલ્પેશ દલસીંગભાઇ વસુનિયા તથા વિરજીભાઇ કોયાભાઇ ડામોર ભેગા મળી બહારથી માણસો લાવી પોતાના રહેણાંક મકાનોમાં તેમજ નજીકમાં રહેતા તેઓના સગા સંબંધીઓના મકાનોમાં દારૂ બનાવતાં હોવાની એસ.પી હિતેશ જોયસરને મળેલી બાતમીના આધારે એલીસીબી અને એસઓજીએ પરોઢે છાપો માર્યો હતો. પોલીસે કૈલાશભાઇ શ્રીરામ ગુર્જરની ધરપકડ કરી હતી.

આ સાથે પાટડીયાના સુરેશભાઇ રામસીંગભાઇ સંગાડાને પણ પકડીને તેના ઘરે ઉતારેલી ખાલી બોટલોનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. ઘરમાં સંગ્રહી રાખવામાં આવેલો 6,38,000 રૂપિયાનો નકલી દારૂ પણ મળ્યો હતો. મોટર સાયકલ, સ્કોર્પીયો વિગેરે મળી કુલ રૂપિયા 21,21,060નો કુલ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યોહતો. કૈલાશ ગુર્જર તથા સુરેશ સંગાડાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા છે.

ખાતરપુરના મુવાડામાં નકલી દારૂ બનાવવા માટેની પૂર્વ તૈયારીઓ પાછળા ઘણા દિવસોથી ચાલી રહી હતી. જોકે, દારૂ બનાવવાનું ચાર દિવસ પહેલાં જ શરૂ કરાયું હોવાનું પકડાયેલા યુવકોએ જણાવ્યું હતું.
