Not Set/ રિલાયન્સે કોન્ટ્રાક્ટરો, કર્મચારીઓને ત્રણ મહિનાથી નથી ચૂકવ્યા નાણા, કોંગ્રેસના ધારાસભ્યનો હલ્લા બોલ

ગાંધીનગર, પીપાવાવ ખાતે આવેલી રિલાયન્સ નેવલ (આરનેવલ) કંપનીના મનસ્વી વર્તન સામે રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર તેમજ કંપનીના ૧૫૦ જેટલા કામદારો અને કોન્ટ્રાક્ટરોએ આજે ગાંધીનગર ખાતે પ્રતિક ધરણાં કર્યા હતા. આ મામલે રાજ્યના ચીફ સેક્રેટરીને મળીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ધારાસભ્ય અમરિશ ડેર અને કામદારોની ઉપવાસ છાવણીની મુલાકાત લઈને […]

Gujarat Trending

ગાંધીનગર,

પીપાવાવ ખાતે આવેલી રિલાયન્સ નેવલ (આરનેવલ) કંપનીના મનસ્વી વર્તન સામે રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર તેમજ કંપનીના ૧૫૦ જેટલા કામદારો અને કોન્ટ્રાક્ટરોએ આજે ગાંધીનગર ખાતે પ્રતિક ધરણાં કર્યા હતા. આ મામલે રાજ્યના ચીફ સેક્રેટરીને મળીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ધારાસભ્ય અમરિશ ડેર અને કામદારોની ઉપવાસ છાવણીની મુલાકાત લઈને સરકારની નીતિ-રીતિ સામે પ્રહારો કર્યા હતા.

રાજુલાના પીપાવાવ ખાતે આવેલી રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લી. (આરનેવલ) દ્વારા તેમના કામદારો અને કોન્ટ્રાક્ટરોના વેતન અંગેના અંદાજે રૂપિયા ૧૫૦ કરોડના બિલની ચૂકવણી કરવામાં આવતી નથી. રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લી.ના આ મનસ્વી વર્તન સામે કામદારો અને કોન્ટ્રાક્ટરો દ્વારા પીપાવાવ અને રાજુલા ખાતે છેલ્લા ત્રણ મહિનાથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ આરનેવલ કંપની દ્વારા કામદારો અને કોન્ટ્રાક્ટરોને દાદ આપવામાં આવતી નથી. આ મામલો પોતાના ધ્યાન ઉપર આવતા કોંગ્રેસના રાજુલા ધારાસભ્ય અમરિશ ડેર આરનેવલના કામદારો અને કોન્ટ્રાક્ટરોની વહારે આવ્યા છે. આ મામલે ધારાસભ્ય અમરિશ ડેર દ્વારા તા. ૮ મે, ૨૦૧૮ને આજે મંગળવારે ગાંધીનગર ખાતે એક દિવસના ધરણાં ઉપર બેઠા હતા. આ ધરણાંમાં ધારાસભ્ય ડેરની સાથે ૧૫૦ જેટલા કામદારો અને કોન્ટ્રાક્ટરો પણ જોડાયા હતા.

આ અંગે ધારાસભ્ય અમરિશ ડેરે જણાવ્યું હતું કે, રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લી. (આરનેવલ) દ્વારા લેબર કોન્ટ્રાક્ટરોને કામદારોની મજૂરી અંગેના બિલની ચૂકવણી કરવામાં આવતી નથી. જેના લીધે કામદારો અને કોન્ટ્રાક્ટરો ત્રણ માસથી આંદોલન ચલાવી રહ્યા છે, આમ છતાં કંપની દ્વારા યેનકેન પ્રકારે તેમના બિલોની ચૂકવણી કરવામાં આવતી નથી. આ મામલે હું અને ૧૫૦ જેટલા કામદારો સાથે ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે બે દિવસના ધરણાં ઉપર બેસવાનો હતો, પરંતુ તંત્ર દ્વારા બે દિવસના બદલે એક જ દિવસના ધરણાંની પરવાનગી આપવામાં આવી છે. આ ધરણાં બાદ રાજ્યના ચીફ સેક્રેટરી ડૉ. જે. એન. સિંઘને મળીને આવેદનપત્ર પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. વિરોધપક્ષના નેતા ધાનાણીએ જળ સંચય અભિયાન મુદ્દે સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકારે બનાવેલા એક પણ બોરીબંધ હાલમાં હયાત બતાવી દે તો હું રાજીનામું આપી દઈશ તેવો ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે,  સરકારી ચોપડે દર્શાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં 1,25,541 બોરીબંધ બનાવવામાં આવેલા છે. જો કે, આ પૈકીનો એક પણ બોરીબંધ મુખ્યમંત્રી હયાત બતાવી દે તો હું રાજીનામું આપી દઈશ. નહિતર જળ સંચયનું નાટક કરનારા મુખ્યમંત્રીને શાસન કરવાનો કોઈ અધિકાર નથી અને તેમને મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દેવું જોઈએ અને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરતા અટકાવવી જોઈએ.