ગુજરાત,
ગુજરાત અને દેશની શાન ગણાતા ગીરના સિંહોના મોત મામલે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. વિધાનસભમાં સત્ર ચાલી રહ્યું હતુ તે સમયે તેમાં પુછાયેલાં એક સવાલના જવાબમાં વનમંત્રી ગણપત વસાવાએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત થયા છે, જેમાં વર્ષ 2016માં 104 અને 2017માં 80 સિંહો મોતને ભેટ્યા છે.
ગીર-સોમનાથ સિંહોના મોત મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સિંહોના મોતનો મામલો ગંભીર ગણાવ્યો હતો અને નોટિસ ફટકારી હતી. હાઇકોર્ટે આ નોટિસ કેન્દ્ર અને રાજયસરકારને ફટકારીને સિંહોના મોતને મામલે જવાબ માંગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગીરમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત થયા હતા. જેથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટ સિંહોના મોતને લઇને સુઓમોટો અરજી પણ દાખલ કરી હતી. જેની હાઇકોર્ટે આજે સુનાવણી કરીને સરકાર પાસે જવાબ માંગ્યો છે.
ખાસ વાત તો એ છે, કે તાજેતરમાં જ વિધાનસભાના સત્રમાં ધારાસભ્યએ સિંહોના મોતને લઇને રાજયસરકારને સવાલ કર્યો હતો. જે ઉત્તરમાં 184 સિંહોના મોત થયાનું કબુલવામાં આવ્યું હતું. જો કે આ સિંહોના મોતમાં 35 ટકા સિહોના મોત આક્સિમક રીતે થયા છે.
કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ એશિયન સિંહોના મુદ્દે નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા બે વર્ષમાં સાસણ ગીર અભિયારણ્યમાં 189 સિંહોનું મૃત્યુ થયું છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે આ માટે વનવિભાગ જ જવાબદાર છે. સિંહોના મૃત્યૃ ઓછા ખોરાક અને પાણીના લીધે થતાં હોય છે. સિંહો માટે ત્યાંના સ્થાનિક રહેવાસી એવા ખેડૂતો સ્પેશિયલ પાણીની કુંડી બનાવે છે. પરંતુ રાજ્ય સરકાર તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ડાયનાસોરની જેમ સિંહોની જાતિ પણ લુપ્ત બની જશે.

*છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત,
કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે 31/12/17 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત થયા છે.
*જેમાં વર્ષ 2016માં 104 અને 2017માં 80 સિંહો મોતને ભેટ્યા છે.
*આ પૈકી 39 સિંહ, 74 સિંહણ અને 71 સિંહબાળ નો સમાવેશ થાય છે.
*જે 184 સિંહો મોતને ભેટ્યા એમાં 152 સિંહોના કુદરતી મોત થયા છે. જ્યારે 32 સિંહો ના અકુદરતી મોત નિપજ્યા છે.
*152 સિંહોના કુદરતી મોત પૈકી 2016માં 92 અને 2017માં 60 સિંહો નો સમાવેશ થાય છે.
*જ્યારે અકુદરતી મોતમાં 2016માં 12 અને 2017માં 20 સિંહોનો સમાવેશ થાય છે.
મંત્રી ગણપત વસાવાના જણાવ્યા પ્રમાણે 184 સિંહો મોતને ભેટ્યા એમાં 152 સિંહોના કુદરતી મોત પૈકી 2016માં 92 અને 2017માં 60 સિંહોનો સમાવેશ થાય છે. જ્યારે અકુદરતી મોતમાં 2016માં 12 અને 2017માં 20 સિંહોનો સમાવેશ થાય છે.
