Gandhinagar News : ગુજરાત વિધાનસભા ખાતે માર્ગ (Roads)ને મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો નવો રોડમેપ રજૂ કર્યો હતો. મંત્રી પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્યના વિકાસની સાચી ઓળખ એની રોડ(Roads) કનેક્ટીવીટી અને મજબુત ઈન્ફ્રાસ્ટ્રકચરમાં દેખાય છે.જ્યાં રોડ(Roads) નેટવર્ક સુદ્રઢ હોય છે ત્યાં મુસાફરી સરળ બનવાની સાથે જ રાજ્યના ઉદ્યોગ ધંધા, વેપાર, પર્યટનને નવી ગતી મળે છે.
મંત્રી ઋષિકેશ પટેલે “રાજ્યના અવિરત વિકાસને જ સર્વશ્રેષ્ઠ રાજનીતિ” ગણાવતા, ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવા માટે મજબૂત રોડ કનેક્ટિવિટી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2001માં રાજ્યનું રોડ નેટવર્ક 1 લાખ કિ.મી. હતું, જે 2025 સુધીમાં વધીને 1.35 લાખ કિ.મી.થી વધુ થયું છે.
મંત્રીએ આઉટપુટ એન્ડ પરફોર્મન્સ બેઝ્ડ રોડ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને સ્માર્ટ મેઈન્ટેનન્સ અંગે જણાવ્યું હતું કે, રાજ્યના બજેટમાં રસ્તાઓની ગુણવત્તા અને આયુષ્ય વધારવા માટે કેટલીક ક્રાંતિકારી પદ્ધતિઓ જાહેર કરવામાં આવી છે. OPRC પદ્ધતિ માટે રૂ. 200 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં રકમની ચૂકવણી કામના જથ્થાને બદલે રસ્તાના પર્ફોમન્સના આધારે થશે, જે રાજ્ય સરકારનો ખર્ચ ઘટાડશે અને રસ્તાનું આયુષ્ય વધારશે.
આ ઉપરાંત રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની STMC-શોર્ટ ટર્મ મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ મુજબ જાળવણી માટે રૂ. 150 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એક નવી પહેલના ભાગરૂપે 50 કિ.મી.ની લંબાઇના રસ્તાનું કલ્સટર બનાવી કોન્ટ્રાકટ કરવામાં આવશે. જેમાં મરામતની તમામ કામગીરીઓનો સમાવેશ કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગમાં વર્ષ 2025- 26 ના બજેટમાં 1180 તથા વર્ષ 2026-27 ના બજેટમાં 1930 મળીને વિવિધ સંવાદની કુલ 3110 નવી જગ્યાઓ મંજૂર કરાઈ છે જે ટૂંક સમયમાં ભરવામાં આવશે.
ગુજરાતમાં મુખ્યમંત્રી રોડ અને એસેટ મેઇન્ટેનન્સ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવશે. રાજ્યમાં 70 થી 80 ટકા ટ્રાફીક વહન કરતા અગત્યના હાઇવેનું સુચારૂ મેઇન્ટેનન્સ થાય, માર્ગોની સતત ક્ષમતા વધારવા, રાઇડીંગ ક્વોલિટી સુધારવા, રોડ સેફ્ટી સુનિશ્ચિત કરવા તથા રાજ્યના હાઈવે નેટવર્ક અને એસેટ્સ માટે પદ્ધતિસર લાઇફ સાયકલ મેનેજમેન્ટ થાય તે હેતુથી રોડ અને એસેટ મેન્ટેનન્સ માટે એક સંકલિત પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં હાલમાં મોટા પાયે માર્ગ નિર્માણની કામગીરી ચાલી રહી છે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રગતિપથ યોજના હેઠળ રાજ્યના એક છેડેથી બીજા છેડે 6 થી 8 કલાકમાં પહોંચી શકાય તે માટે 9 કોરિડોરનું ચાર માર્ગીયકરણ કરવામાં આવી રહ્યું છે. બજેટમાં આ માટે રૂ. 240 કરોડની નવી જોગવાઈ કરાઈ છે.
તદુપરાંત, તાલુકા અને જિલ્લા કનેક્ટિવિટી અંગે કહેવામાં આવ્યું હતું કે, રાજ્યના 267તાલુકા મથકોને જોડતા રસ્તાઓના મજબૂતીકરણ માટે રૂ.927 કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ “સમૃદ્ધ ગ્રામ થકી સમૃદ્ધ ગુજરાત”ના સંકલ્પ સાથે ગ્રામીણ રસ્તાઓ માટે રૂ. 5,603 કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી છે.
નમો શક્તિ અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે અંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ડીસા-સુરેન્દ્રનગર-પીપાવાવને જોડતો 431 કિ.મી.નો નમો શક્તિ એક્સપ્રેસ-વે કુલ 9 જિલ્લાઓને સાંકળી લેશે. જેના પરિણામે મુસાફરીનો સમય 7.30 કલાકથી ઘટીને માત્ર 4 કલાક થશે અને આશરે 3 થી 3.30 કલાકની બચત થશે.
તેવી જ રીતે, રૂ. 57,120 કરોડના ખર્ચે 680 કિ.મી. લંબાઈ ધરાવતો સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે પણ કુલ 9 જિલ્લાઓને જોડશે. જેના પરિણામે અમદાવાદથી દ્વારકા પહોંચવાનો સમય પણ 3કલાક ઘટશે. આ ઉપરાંત અમદાવાદ-મહેસાણા 8-લેન પ્રોજેક્ટ હેઠળ રૂ. 2,630 કરોડના ખર્ચે 48 કિ.મી.ના આ માર્ગ પર એલિવેટેડ ફ્લાયઓવર અને 8નવા ફ્લાયઓવર બનાવવામાં આવશે.
કોસ્ટલ હાઇવે અને પરિક્રમા પથ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના સૌથી લાંબા દરિયાકિનારાના વિકાસ માટે ઉમરગામથી નારાયણ સરોવર સુધીનો 10 મીટર પહોળો કોસ્ટલ હાઈવે બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટથી મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન અને રાષ્ટ્રીય સુરક્ષાને બળ મળશે. સાથે જ, પરિક્રમા પથ યોજના હેઠળ એક્સ્ટ્રીમ આઉટર રિંગ રોડ અને ઈનર રિંગ રોડ દ્વારા આંતરરાજ્ય કનેક્ટિવિટી પણ સુદ્રઢ થશે.
તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણની સુરક્ષા સાથે રસ્તા નિર્માણ માટે ગુજરાત નવી ટેકનોલોજી અપનાવી રહ્યું છે. વેસ્ટ પ્લાસ્ટિક, કોલ્ડ મિક્સ અને સિમેન્ટ સ્ટેબિલાઈઝેશન જેવી પદ્ધતિઓથી ‘ગ્રીન રોડ’ બનાવવામાં આવશે. જંબુસર ખાતે 10 કિ.મી.નો પાયલોટ પ્રોજેક્ટ રૂ. 50 કરોડના ખર્ચે આ ટેકનોલોજીથી સાકાર થઈ રહ્યો છે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મંત્રીએ કહ્યું હતું કે, દેશના પ્રથમ અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ્વે પ્રોજેક્ટમાં ગુજરાત સરકારે 25 ટકા હિસ્સા પેટે રૂ. 5,000 કરોડની ઈક્વિટી પૂરી પાડી છે. આ પ્રોજેક્ટ રાજ્યને વૈશ્વિક ઓળખ આપશે.
મંત્રીશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે, ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર અંતર્ગત રાજ્યના 12 કોરિડોરની અંદાજિત 1032.82 કી.મી. લંબાઈને રૂ.7246.78 કરોડના ખર્ચે હાઈ-સ્પીડ તરીકે વિકસાવવાની મંજૂરી મળી છે. આ 12 હાઇ સ્પીડ કોરીડોર બનવાથી ગુજરાતના દરેક ખુણા જોડાશે અને એકધારી ઝડપે સલામતી સાથે મુસાફરી શકય બનશે. આ બજેટ માત્ર આંકડા નથી પરંતુ ગુજરાતના વિકાસ વિઝનની ગાથા છે.
ચર્ચાના અંતે માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.
