અમદાવાદ,
ચોમાસાની શરૂઆત થતા જ રોગ માઝા મુકતા હોય છે, જેને નાથવા માટે આજે વડોદરા શહેરમાં પાણીપુરી પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે રાજ્યમાં ઠેરઠેર પાણીપુરીના સેન્ટરો પર આરોગ્ય વિભાગે દરોડા પાડવાનું શરુ કર્યું છે.
વડોદરા, સુરત, અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ આરોગ્ય વિભાગે પાણીપુરીની લારીઓ પર તવાઈ બોલાવી છે. રાજકોટના રેસકોર્સ, ભક્તિનગર અને સાંગરવા ચોક વિસ્તારમાં આવેલી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગની ટીમો ત્રાટકી હતી.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેચાણ માટે બનાવેલ જથ્થાનું ચેકિંગ કરવામાં આવ્યુ હતું અને સડેલા બટેકા અને ચણા તેમજ ખરાબ પાણીના જથ્થાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે વડોદરામાં આજથી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મુકવા આવ્યો છે.. અત્યંત ગંદકીથી ખદબદતા વિસ્તારમાં તૈયાર કરવામાં આવતા પાણીપૂરીના ઉત્પાદકોને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની ટીમે ગુરુવારે શહેરમાં વિવિધ જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં ખાસ કરીને પાણીપુરી બનાવતી જગ્યાએ અને પાણીપુરી માટે ઉપયોગમાં લેવામાં આવતા સડેલા બટાકા સહિતના અખાદ્ય વસ્તુઓનો નાશ કરીને નોટિસો ફટકારી હતી.
વડોદરાના વિવિધ વિસ્તારમાં વીએમસીની ટીમે દરોડા પાડીને અખાદ્ય તેલમાંથી બનાવેલી પુરી, ગંદુ પાણી લઇને બનાવેલ પાણી પૂરીનું પાણી, સળેલા બટાકા, ચણા વગેરે હજારો કિલો જથ્થાનો નાશ કર્યો હતો.
