Ahmedabad News: ગુજરાતમાં એશિયાટિક સિંહોના અકસ્માતી મોતને લઈને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court Lion Case)માં ચાલી રહેલી સુઓ મોટો કાર્યવાહી દરમિયાન સિંહોના સંરક્ષણ માટે કરવામાં આવી રહેલા વિવિધ પગલાં અંગે મહત્વની માહિતી રજૂ કરવામાં આવી છે. વર્ષ 2018માં સિંહોના અપમૃત્યુને લગતા મીડિયા અહેવાલોના આધારે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો પિટિશન હાથ ધરી હતી. આ મામલે ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેનની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી થઈ હતી. કોર્ટ સમક્ષ સિંહોને રેલવે ટ્રેક પર અકસ્માતથી બચાવવા માટે કરવામાં આવેલી કામગીરી અને ભવિષ્યની યોજનાઓની વિગતો રજૂ કરવામાં આવી હતી.
સિંહોના રક્ષણ માટે SOP તૈયાર કરાઈ
કોર્ટ (Gujarat High Court Lion Case)ને જણાવવામાં આવ્યું હતું કે 19 જૂન, 2024ના રોજ ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં સિંહોના સંરક્ષણ તેમજ રેલવે અકસ્માતો અટકાવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવી હતી. જૂન 2024થી જુલાઈ 2026 દરમિયાન આ અંગે 8 ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ હતી. આ ઉપરાંત સર્કલ, ડિવિઝન અને રેન્જ સ્તરે પણ બેઠકો યોજીને સિંહોની સુરક્ષા માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
Gujarat High Court Lion Case: રેલવે ટ્રેક પર 70 જેટલા ટ્રેકરની તૈનાતી
સિંહોની રેલવે ટ્રેક પરની અવરજવર પર નજર રાખવા માટે વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં AI આધારિત મોનિટરિંગ, અર્લી વૉર્નિંગ સિસ્ટમ, CCTV કેમેરા અને ઈન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમની ટ્રાયલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટ્રેનના એન્જિનમાં ટ્વિન LED હેડલાઇટ્સનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે, જેથી રાત્રિના સમયે ટ્રેક આસપાસ રહેલા પ્રાણીઓ વધુ સરળતાથી નજરે પડે. સિંહો કે અન્ય વન્યપ્રાણીઓ રેલવે ટ્રેક પર આવી જાય ત્યારે તેમને સુરક્ષિત રીતે દૂર કરવા માટે આશરે 70 રેલવે ટ્રેકર્સ તૈનાત કરવામાં આવ્યા છે.
33.4 કિલોમીટર વિસ્તારમાં ઝાડીઓ અને વનસ્પતિ દૂર કરાઈ
રેલવે ટ્રેક આસપાસ પ્રાણીઓની હિલચાલ સરળતાથી જોઈ શકાય તે માટે 33.4 કિલોમીટર વિસ્તારમાંથી વનસ્પતિ અને ઝાડીઓ દૂર કરવામાં આવી છે. આ કામગીરી આશરે 14.23 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવી હોવાનું કોર્ટને જણાવાયું હતું. આ પગલાંનો મુખ્ય હેતુ ટ્રેક નજીક આવતા સિંહો અને અન્ય વન્યપ્રાણીઓને સમયસર ઓળખી તેમની અવરજવર અંગે રેલવે તંત્રને ચેતવણી આપવાનો છે.
5,909 કોશન ઓર્ડર જાહેર
રેલવે ટ્રેક પર સિંહો (Gujarat High Court Lion Case)ની અવરજવર ધરાવતા વિસ્તારોમાં ટ્રેનની ગતિ અને સાવચેતી અંગે પણ પગલાં લેવામાં આવ્યા છે. એપ્રિલ 2026થી જુલાઈ 2026 દરમિયાન 1,356 કોશન ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,909 કોશન ઓર્ડર જાહેર કરાયા હોવાનું કોર્ટ સમક્ષ રજૂ થયું હતું. આ ઉપરાંત 9 કાયમી અને આશરે 100 અન્ય સિંહ મૂવમેન્ટ હોટસ્પોટ્સ ઓળખવામાં આવ્યા છે.
159થી વધુ લોકો પાઇલટ્સને તાલીમ
રેલવે કર્મચારીઓને પણ સિંહોની હિલચાલ અંગે સતર્ક રહેવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. જુલાઈ 2026 સુધીમાં 159થી વધુ લોકો પાઇલટ્સ અને આસિસ્ટન્ટ લોકો પાઇલટ્સને ટ્રેનિંગ તથા કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા સિંહોના સંરક્ષણ અને ટ્રેક પર વન્યપ્રાણીઓની અવરજવર અંગે AI આધારિત શૈક્ષણિક વીડિયો પણ તૈયાર કરીને શેર કરવામાં આવ્યા છે.
Gujarat High Court Lion Case: 62 અંડરપાસ કાર્યરત, 14માં રેટ્રોફિટિંગ
સિંહોને રેલવે ટ્રેકથી દૂર રાખવા માટે અંડરપાસ વ્યવસ્થાને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. હાલમાં 62 અંડરપાસ સારી સ્થિતિમાં હોવાનું જણાવાયું છે. જ્યારે 14 અંડરપાસમાં રેટ્રોફિટિંગનું કામ ચાલી રહ્યું છે અને 13 નવા અંડરપાસ બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ ઉપરાંત સિંહોને ટ્રેક પર આવતા અટકાવવા માટે કુલ 1,660.85 મીટર ફેન્સિંગ કરવામાં આવી છે.
Gujarat High Court Lion Case: 11 સપ્ટેમ્બરે ફરી સુનાવણી
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court Lion Case) હવે આ મામલે આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરે રાખી છે. આગામી સુનાવણી દરમિયાન બાકી રહેલા અંડરપાસના રેટ્રોફિટિંગની સ્થિતિ, નવા અંડરપાસના નિર્માણની પ્રગતિ તેમજ સિંહોના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજીની અસરકારકતા અંગે માહિતી રજૂ કરવામાં આવશે.
કોર્ટના આદેશ મુજબ ટ્વિન LED હેડલાઇટ્સ, ઈન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ અને AI આધારિત મોનિટરિંગની સ્થિતિ અંગેનો અહેવાલ જૂનાગઢના વન સંરક્ષકના સોગંદનામા સાથે રજૂ કરવાનો રહેશે. સિંહોની સુરક્ષા અને રેલવે અકસ્માતો અટકાવવા માટે કરવામાં આવી રહેલા આ પ્રયાસો કેટલા અસરકારક સાબિત થાય છે અને બાકી રહેલી કામગીરી ક્યારે પૂર્ણ થાય છે તેના પર હવે આગામી સુનાવણીમાં ખાસ નજર રહેશે.
આ પણ વાંચો:ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી
આ પણ વાંચો:ગીરમાં સિંહોના મોત બાદ ઉઠ્યા સવાલો, તપાસ રિપોર્ટ જાહેર નહીં થતા ચર્ચા તેજ
