Gujarat News/ ગીર જંગલ વિવાદ PM સુધી પહોંચ્યો: સિંહોના મોત, માઇનિંગ, રાજભા ગઢવીને મંજૂરી અને રિસોર્ટ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ

Gir Forest Controversy: ગીર જંગલમાં સિંહોના વધતા મોત, માઇનિંગ પ્રોજેક્ટ, રાજભા ગઢવીને આપવામાં આવેલી વિશેષ મંજૂરી અને ગેરકાયદે રિસોર્ટના મુદ્દે પર્યાવરણવિદોએ PM અને CMને પત્ર લખી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

Top Stories Gujarat Others Breaking News
Gir Forest Controversy: PM-CMને પત્ર લખી સિંહ સંરક્ષણ મુદ્દે તપાસની માંગ

Gujarat News: ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિવાદાસ્પદ મંજૂરીઓનો મુદ્દો હવે દેશના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચ્યો છે. એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન તરીકે ઓળખાતા ગીરના સંરક્ષણ (Gir Forest Controversy) અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરતાં ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડના વર્તમાન અને પૂર્વ સભ્યો તેમજ પર્યાવરણપ્રેમીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.

રજુઆતમાં ગીર જંગલના પર્યાવરણ અને વન્યજીવનને અસર પહોંચાડતા કેટલાક નિર્ણયો અંગે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. પત્ર લખનારાઓમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના પૂર્વ સભ્ય અને જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા (Wildlife photographer Bhushan Pandya), સ્નેહલ પટેલ, એડવોકેટ રોહિત વ્યાસ, સી.ટી. રાણા, સુરેશ ભટ્ટ, સંજય કેલેયા અને રેવતુભા રાયજાદા સહિતના પર્યાવરણવિદો સામેલ છે.

Gir Forest Controversy: બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની દરખાસ્ત સામે વિરોધ

રજૂઆતમાં જણાવાયું છે કે જાફરાબાદ તાલુકાના બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની આશરે 75 હેક્ટર જમીન ખાણકામ માટે ફાળવવાની દરખાસ્ત પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ વિસ્તારમાં હજારો વૃક્ષો અને મોટી સંખ્યામાં સિંહો સહિત અન્ય સુરક્ષિત વન્યજીવો વસવાટ કરે છે. પર્યાવરણવિદોના મતે, ખાણકામને મંજૂરી મળવાથી ગીરના મહત્વપૂર્ણ સિંહ કોરિડોરને નુકસાન પહોંચી શકે છે અને વન્યજીવોના કુદરતી રહેઠાણ પર સીધી અસર પડશે.

Gir Forest Controversy
Gir Forest Controversy

રાજભા ગઢવીને અપાયેલી મંજૂરી ચર્ચાના કેન્દ્રમાં

ગીરના લીલાપાણી વિસ્તારમાં જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીને માલધારી તરીકે આપવામાં આવેલી વિશેષ મંજૂરી પણ વિવાદનું કેન્દ્ર બની છે. રજૂઆત મુજબ અગાઉ નકારવામાં આવેલી અરજીને બાદમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય સામે કેટલાક માલધારીઓએ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.

સ્થાનિક માલધારીઓનો આક્ષેપ છે કે વર્ષોથી તેમની અરજીઓ લંબિત હોવા છતાં તેમને સમાન પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. આ મામલે પારદર્શકતા અને સમાનતા જળવાય તે માટે પણ તપાસની માંગ કરવામાં આવી છે.

Gir Forest Controversy
Gir Forest Controversy

ખીચા ગામ નજીક રિસોર્ટ મુદ્દે સવાલ

ધારી તાલુકાના ખીચા ગામ નજીક આવેલા એક રિસોર્ટ અંગે પણ રજૂઆતમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આરોપ છે કે રહેણાંક હેતુ માટે મંજૂર કરાયેલી જમીનનો ઉપયોગ વ્યાપારી હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે. રિસોર્ટને મળેલી વિવિધ મંજૂરીઓ અને નિયમોના પાલન અંગે સ્વતંત્ર તપાસની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.

Gir Forest Controversy: સિંહોના વધતા અપમૃત્યુ અંગે ચિંતા

પર્યાવરણવિદોએ ગીર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી નોંધાયેલા સિંહોના અસામાન્ય મૃત્યુના બનાવોને પણ ગંભીર મુદ્દો ગણાવ્યો છે. તેમના મતે, વન્યજીવોમાં ફેલાતા રોગચાળા સામે જે પ્રકારની સતર્કતા રાખવામાં આવે છે, તેવી જ ગંભીરતા વહીવટી અને માનવસર્જિત જોખમો સામે પણ દાખવવી જરૂરી છે.

મેનેજમેન્ટ પ્લાનના ઉલ્લંઘનનો આક્ષેપ

વાઇલ્ડલાઇફ બોર્ડના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યાના જણાવ્યા મુજબ દરેક નેશનલ પાર્ક અને અભ્યારણ્ય માટે સત્તાવાર મેનેજમેન્ટ પ્લાન અમલમાં હોય છે. આ પ્લાનનું પાલન કરવું વન વિભાગ માટે ફરજિયાત છે. જોકે, કેટલાક નિર્ણયો ગીર મેનેજમેન્ટ પ્લાન અને વન સંરક્ષણ (Gir Forest Controversy) સંબંધિત નિયમોની ભાવના વિરુદ્ધ હોવાનું પ્રાથમિક રીતે જણાતું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

સરકારના નિર્ણય પર સૌની નજર

પર્યાવરણવિદોની આ રજૂઆત હવે વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી છે. આગામી દિવસોમાં આ મુદ્દે કોઈ ઉચ્ચસ્તરીય તપાસ અથવા વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં, તેના પર પર્યાવરણપ્રેમીઓ, માલધારીઓ અને સમગ્ર રાજ્યની નજર રહેશે.


આ પણ વાંચો:ગીરમાં ગર્ભવતી સિંહણના મોત બાદ કાર્યવાહી: સ્થાનિક ફોરેસ્ટરની બદલી, વન વિભાગની કામગીરી સામે સવાલો

આ પણ વાંચો:ગીરમાં રાહત: 17માંથી 11 સિંહોને જંગલમાં મુક્ત કરાયા, 6 હજુ સારવાર હેઠળ; રોગચાળાથી 12ના મોત

આ પણ વાંચો:ગીરમાં CDV વાયરસના ખતરા વચ્ચે 7 સિંહોના કરુણ મોત, વન વિભાગમાં ભારે દોડધામ