Gujarat News: ગીરના જંગલમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બેબેસિયા અને સીવીડી વાયરસ જેવી બીમારીઓની આશંકા વચ્ચે સિંહો (Gir Forest Lions)માં ફેલાયેલા રોગચાળાને પગલે સારવાર હેઠળ રાખવામાં આવેલા 17 સિંહોમાંથી 11 સિંહોને ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 6 સિંહો હજુ પણ નિષ્ણાતોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલા સિંહો (Gir Forest Lions)માંથી 4 સિંહોને સ્વસ્થ જાહેર કરીને જંગલમાં છોડવામાં આવ્યા છે. એક માદા સિંહ અને બે સિંહબાળ હજુ સારવાર હેઠળ છે. બીજી તરફ જામવાળા એનિમલ કેર સેન્ટરમાંથી 7 સિંહોને મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે બે નર સિંહ અને એક સિંહબાળ હજુ પણ સારવાર હેઠળ છે.
15 દિવસમાં 12 સિંહોના મોતથી ચિંતા વધી
ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની બાબરીયા અને જસાધાર રેન્જમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન સિંહો (Gir Forest Lions)માં રોગચાળો ફાટી નીકળતા અંદાજે 12 સિંહોના મોત થયા હતા. આ ઘટનાએ વન વિભાગ તેમજ રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી હતી. મામલો દિલ્હી સુધી પહોંચતા ઉચ્ચ સ્તરે પણ ચર્ચા થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કુલ 17 સિંહોને અલગ-અલગ એનિમલ કેર સેન્ટરોમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. વનતારા ટીમ, વેટરનરી નિષ્ણાતો અને વન વિભાગના અધિકારીઓ સતત સારવાર અને મોનીટરિંગમાં જોડાયા હતા.
સારવારથી સ્થિતિમાં નોંધપાત્ર સુધારો
નિષ્ણાતોની સતત દેખરેખ અને સારવારને કારણે મોટાભાગના સિંહોની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. જેના પરિણામે 11 સિંહોને ફરીથી તેમના કુદરતી આવાસમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે (DCF Vikas Yadav) જણાવ્યું કે સારવાર હેઠળના બાકીના સિંહોની સ્થિતિ પણ સુધારા પર છે અને તેઓને પણ ટૂંક સમયમાં જંગલમાં મુક્ત કરવામાં આવશે. હાલ સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ રેન્જમાં સિંહોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
Gir Forest Lions: સિંહણના મોતથી ફરી ઉઠ્યા સવાલો
આ દરમિયાન અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વિસ્તારમાંથી વધુ એક સિંહણના મોતના સમાચાર સામે આવ્યા હતા. ધારી ડિવિઝનની સરસિયા રેન્જમાં ગર્ભવતી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગર્ભમાં રહેલા બચ્ચાના મૃત્યુ બાદ સિંહણનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે મૃતદેહ બે દિવસથી વધુ સમય સુધી પડ્યો રહ્યો હતો. આ મુદ્દે વન વિભાગની કામગીરી અને મોનીટરિંગ સિસ્ટમ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
ગીરમાં PCCFનો સતત કેમ્પ
સિંહોના વધતા મૃત્યુને ધ્યાનમાં રાખીને રાજ્યના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) ભવાની પતી છેલ્લા કેટલાક દિવસોથી ગીરમાં જ કેમ્પ કરી રહ્યા છે. તેઓ પરિસ્થિતિનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે અને તમામ રેન્જના અધિકારીઓ પાસેથી સતત માહિતી મેળવી રહ્યા છે. મૃતક સિંહો (Gir Forest Lions)ના સેમ્પલ લેબમાં મોકલાયા હોવા છતાં રિપોર્ટ આવવાની પ્રક્રિયા ચાલુ છે. વન વિભાગે હાલ સાવચેતીના તમામ પગલાં અમલમાં મૂક્યા છે અને ગીરના સિંહો માટે વિશેષ આરોગ્ય મોનીટરિંગ વ્યવસ્થા ગોઠવી છે.
આ પણ વાંચો:ગીરમાં 12 સિંહોના મોત બાદ ચિંતા વધી, CDV વાયરસનો ખતરો? MPના વાઘ પર પણ સંક્રમણનું સંકટ
આ પણ વાંચો:ગીરમાં સિંહોના સંક્રમણ લઈને વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એક્શનમાં
આ પણ વાંચો:ગીરના જંગલમાં ફરી ભેદી રોગનો કહેર: CDV અને બેબસિયાથી 8થી વધુ સિંહોના મોત, વન વિભાગ હાઈ એલર્ટ પર
