PM Modi Surat Event Eco Friendly: ‘ભારતના સૌથી સ્વચ્છ શહેર’ તરીકે ડંકો વગાડનાર ડાયમંડ સિટી સુરતે પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં વધુ એક નવો ઐતિહાસિક માપદંડ સ્થાપિત કર્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આજે સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. આ આખો જાહેર કાર્યક્રમ ૧૦૦% સસ્ટેનેબલ (ટકાઉ) અને સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી બની રહે તે માટે તંત્રએ કમર કસી છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘મિશન લાઈફ’ (Mission LiFE) ના વિઝનને સાર્થક કરતા આ કાર્યક્રમ સ્થળ પર પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
Surat : વાંસ અને વેસ્ટથી બનાવાયા શિલ્પો
સુરત મહાનગરપાલિકા અને વહીવટી તંત્રે રૂટિન ઇવેન્ટ મેનેજમેન્ટની પરંપરાને તોડીને આ સમગ્ર આયોજનને એક વિશાળ પર્યાવરણ જાગૃતિ અભિયાનમાં પરિવર્તિત કરી દીધું છે. સુરતની સ્વચ્છતાની સફરને આબેહૂબ ઉજાગર કરવા માટે કાર્યક્રમ સ્થળ પર આદિવાસી કારીગરો દ્વારા વાંસ (Bamboo) માંથી બનાવેલા અત્યંત આકર્ષક ઇન્સ્ટોલેશન, વેસ્ટમાંથી બેસ્ટ (કચરામાંથી બનાવેલા શિલ્પો) અને ઇકો-ફ્રેન્ડલી રંગોળીઓ વાચકો અને મુલાકાતીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે.
રીસાયકલ કરેલા કાપડમાંથી તૈયાર થયું મુખ્ય સ્ટેજનું બેકડ્રોપ
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જ્યાં પીએમ મોદી જાહેર સભાને સંબોધવાના છે, ત્યાં મુખ્ય મંચનું બેકડ્રોપ (સ્ટેજની પાછળનો ભાગ) એક અદ્ભુત કળાનું ઉદાહરણ છે. સુરતની ફાઈન આર્ટસ કોલેજના પ્રોફેસરો, ઉત્સાહી વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારોએ રાત-દિવસ એક કરીને માત્ર રિસાયકલ કરેલા કાપડમાંથી આ બેકડ્રોપ તૈયાર કર્યું છે. સામાન્ય રીતે વપરાતા મોંઘા અને પ્રદૂષણ ફેલાવતા ફ્લેક્સ બેનરો કે કૃત્રિમ સજાવટના સ્થાને, અહી આવનારા લોકોનું સ્વાગત હાથેથી રંગાયેલા હોર્ડિંગ્સ અને બિનજરૂરી વેસ્ટ વસ્તુઓમાંથી કંડારેલા શિલ્પો દ્વારા કરવામાં આવશે.

જનતાની 5000 થી વધુ કલાકૃતિઓ સામેલ
આ ગ્રીન ઇવેન્ટને જન-આંદોલનનું સ્વરૂપ આપવા માટે લોક ભાગીદારી (Public Participation) ને અદભુત પ્રોત્સાહન મળ્યું છે. સુરતના સામાન્ય નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સસ્ટેનેબિલિટી વિષય પર ખાસ હાથેથી બનાવેલી 5000થી વધુ સુંદર કલાકૃતિઓને કાર્યક્રમની મુખ્ય સજાવટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સહિયારો પ્રયાસ એ સાબિત કરે છે કે શૂન્ય કાર્બન ફૂટપ્રિન્ટ (Zero-carbon footprint) સાથે પણ આટલા મોટા પાયા પર ભવ્ય સરકારી અને જાહેર કાર્યક્રમો સ્થાનિક કળા અને સંસ્કૃતિની ઉજવણી સાથે યોજી શકાય છે.
ભારતના હરિયાળા ભવિષ્યનું એક જીવંત મોડેલ બનશે સુરત
આ ઐતિહાસિક કાર્યક્રમની આખી ડિઝાઇન સૌર ઊર્જા (Solar Energy), જળ સંરક્ષણ, ગ્રીન મોબિલિટી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક લક્ષ્યો (Global Goals) ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં આ વિશાળ જનમેદનીને સંબોધિત કરશે, ત્યારે લાખો લોકોનું ધ્યાન માત્ર મંચ પર જ નહીં પરંતુ મંચની પાછળ રહેલી પર્યાવરણ બચાવવાની આ અનોખી કળા પર પણ ખેંચાશે. પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy) અને મિશન લાઈફની થીમને કેન્દ્રમાં રાખીને સુરતે આખા દેશ સામે ભારતના હરિયાળા અને પ્રગતિશીલ ભવિષ્યનું એક જીવંત મોડેલ રજૂ કર્યું છે.
આ પણ વાંચો: સુરતમાં રોડ પર ભુવા રાજ, અડાજણ મુખ્ય માર્ગ પર વધુ એક ભુવો પડ્યો
આ પણ વાંચો: સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર પડ્યો મસમોટો ભુવો
આ પણ વાંચો: સુરતના બગુમરા નજીક નહેર વિભાગના તંત્રની અણઆવડતના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા
