IAS Training Gujarat Government: ગુજરાત સરકારના વહીવટી કાર્યક્ષમતામાં ધરખમ સુધારો લાવવા માટે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ માટે જ તાલીમ અનિવાર્ય હતી, પરંતુ હવે વિવિધ વિભાગોમાં કાર્યરત IAS અધિકારીઓ માટે પણ સર્વિસ તાલીમ ફરજિયાત બનાવવામાં આવી છે.
ઓનલાઇન પોર્ટલ પર લેવી પડશે તાલીમ
ડિજિટલ ઇન્ડિયાના અભિગમને વધુ મજબૂત બનાવવા માટે આ તાલીમ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રાખવામાં આવી છે. IAS અધિકારીઓએ ક્યાંય રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં. તેઓએ સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સ્પેશિયલ પોર્ટલ પર લોગ-ઈન કરીને પોતાનો અભ્યાસક્રમ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે.
‘IGOT કર્મયોગી’ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત
સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ, તમામ IAS અધિકારીઓએ IGOT કર્મયોગી (iGOT Karmayogi) પોર્ટલ પર ઉપલબ્ધ તાલીમ કાર્યક્રમો પૂર્ણ કરવાના રહેશે. આ તાલીમ કાર્યક્રમો ભારત સરકાર દ્વારા ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ પોતાની પ્રોફાઇલ અદ્યતન રાખવાની સાથે સાથે દર વર્ષે કેટલા અભ્યાસક્રમો પૂર્ણ કર્યા છે તેની વિગતો પણ આપવી પડશે.

વાર્ષિક મૂલ્યાંકન (ACR) પર પડશે અસર
આ નિર્ણયની સૌથી મહત્વની બાબત એ છે કે, અધિકારીઓએ પોર્ટલ પર પૂર્ણ કરેલી તાલીમની નોંધ તેમના વાર્ષિક મૂલ્યાંકન અહેવાલ (Annual Performance Report) માં લેવામાં આવશે. એટલે કે, અધિકારીની કાર્યક્ષમતા અને બઢતીના મૂલ્યાંકનમાં આ તાલીમ એક મહત્વનું પરિબળ સાબિત થશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી માળખામાં વધુ પારદર્શિતા લાવવાનો અને અધિકારીઓને આધુનિક ટેકનોલોજી તથા બદલાતા નિયમોથી માહિતગાર રાખવાનો છે. આ નવી તાલીમ પદ્ધતિથી રાજ્યના વહીવટમાં નવી ઊર્જા અને ઝડપ આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:રાજ્યના સર્વિસ સેક્ટરને વેગ આપવા નવી કચેરી ઊભી કરાશે
આ પણ વાંચો:ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની, 68 હજાર વિદ્યાર્થિનીઓને સહાય
