અમદાવાદ,
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં મંગળવારે શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્નિવલના ભાગરુપે 20000થી પણ વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
કાર્નિવલના બીજા દિવસે હજારો માતા-પિતાઓ તેમના બાળકોને લઇને પણ ઉત્સવ માણવા આવી પહોંચ્યા હતા.જો કે લાખોની ભીડ વચ્ચે કાર્નિવલમાં અનેક બાળકો ગુમ થઇ ગયા હતા. આ બે દિવસ દરમિયાન કાર્નિવલમાંથી 12 જેટલા બાળકો ગુમ થઇ ગયા હતા, જેને મણીનગરની પોલિસે શોધીને તેમના વાલીઓ સાથે મેળવી આપ્યા હતા.
ગુમ થયેલાં બાળકોમાં 3 વર્ષના બે બાળકો વૈદેહિ મકવાણા અને જીશાન પઠાણ પણ હતા.મણીનગર પોલિસે ગુમ થયેલાં બાળકોને તેમના માબાપને સોંપીને પ્રશંસનીય કામગીરી તો કરી હતી સાથે સાથે 8 જેટલા દારૂડિયાઓને પકડીને સબક પણ શીખવાડ્યો હતો.
આ વર્ષે કાર્નિવલમાં જે સૌથી મોટુ આકર્ષણ છે તે બુલેટ ટ્રેન અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેને ભારે આકર્ષણ જમાવ્યું છે. વર્ષ 2008થી દર વર્ષે આયોજિત થનાર કાંકરિયા કાર્નિવલ 31મી ડિસેમ્બર સુધી ચાલનાર છે. 11માં કાંકરિયા કાર્નિવલની મંગળવારના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.રંગબેરંગી રોશનીથી કાંકરિયા કાર્નિવલના વિસ્તારને સજાવવામાં આવ્યું છે.
મહાનગર પાલિકા તરફથી બુલેટ ટ્રેન જેવા લુક ધરાવતી ટ્રેનનું મુખ્ય આકર્ષણ છે. આ ટ્રેન પોયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. આની સાથે સાથે ૫૫ લાખ રૂપિયાના ખર્ચે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સ્થાયી રીતે તૈયાર છે જેમાં જમવા માટે 300 રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે.
આ ઉપરાંત બેટરીથી ચાલતા વાહનો, જેટ સ્કી તથા ઇન્જેક્ટ એર ડિફ્યુઝન જેવા આકર્ષણ પણ ઉમેરવામાં આવ્યા છે. ડોગ શો અને હોર્સ શો પણ આકર્ષણનું કેન્દ્ર છે. 31મી ડિસેમ્બર સુધી ચાલનાર આ કાર્નિવલમાં ૨૫ લાખથી પણ વધુ લોકો પહોંચે તેમ માનવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, હાસ્ય કાર્યક્રમો, પપેટ શો, આતશબાજી પણ મુખ્ય આકર્ષણ છે.
