Gujarat News: ગુજરાત પોલીસે (Gujarat Police) ચાર મેટ્રો શહેરો સહિત વિવિધ જિલ્લાઓમાં 7612 ગુનેગારો (Criminals)ની ગુનાહિત પ્રોફાઇલ તૈયાર કરીને કાયદાનો પાઠ ભણાવવાનું કામ શરૂ કર્યું છે. રીઢા ગુનેગારો સામે ‘પાસા’ અને ‘તડીપાર’ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે. આજથી અમદાવાદ સહિતના શહેરોમાં ગુજરાત પોલીસ એક્શનમાં જોવા મળશે.
સુરત પોલીસે તૈયાર કરેલી 1400 ગુનેગારોની યાદીમાં ૩૫૦ હાર્ડકોર ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. શહેરભરમાં અસામાજિક તત્વો દ્વારા આચરાતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સુરત પોલીસે હવે તૈયારીઓ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. આગામી દિવસોમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બાગરિયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, સજ્જનસિંહ પરમાર અને જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનો દ્વારા એક ખાસ યાદી તૈયાર કરવામાં આવી છે અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં કુલ 756 આરોપીઓની યાદી તૈયાર કરીને રાજ્યના ગૃહ વિભાગને સુપરત કરવામાં આવી છે. રાજકોટ પોલીસે તૈયાર કરેલી યાદી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાને પણ સોંપવામાં આવી છે.
વડોદરા પોલીસે તૈયાર કરેલા ગુનેગારોની યાદીમાં કુલ 825 ગુનેગારોનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં ગુનેગારોની યાદી તૈયાર થતાં જ વહીવટીતંત્રે ગુનેગારોના ગેરકાયદે બાંધકામોને બુલડોઝરથી તોડી પાડવાનું શરૂ કરી દીધું છે.
અમદાવાદના વસ્ત્રાલમાં, અંગત અદાવતને કારણે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. 7 આરોપીઓએ ગેરકાયદેસર મકાન બનાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પોલીસની મદદથી મકાનો તોડી પાડ્યા હતા.
આ પણ વાંચો:શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે મચાવ્યો હોબાળો
આ પણ વાંચો:અમદાવાદના નિકોલમાં ગરબામાં ગુંડાગીરી, અસામાજિક તત્વોનો આતંક