ગુજરાતમાં ખાસ કરીને સુરત અને રાજકોટમાં ભાજપની બાજી ના બગડે તે માટે મુંબઈના નેતા અને મંત્રી પ્રકાશ મહેતાને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ મુંબઈના ઘાટકોપરના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર સરકારના ગૃહનિર્માણમંત્રી છે પ્રકાશ મહેતા.
ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્રકાશ મહેતાને સૌરાષ્ટ્રમાં રાજકોટ બેઠક અને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે અને મતદારોનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકો તો પ્રચાર કરવાના જ છે પણ સાથે સાથે પ્રકાશ મહેતા જેવા અન્ય રાજ્યોના અનુભવી નેતાઓને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
નોંધણીય છે કે સુરત અને રાજકોટમાં મરાઠી મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. તાજેતરમાં સુરતમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલને મળેલા આવકારથી ભાજપ આ વિસ્તારમાં કોઇ જોખમ લેવા માંગતું નથી. પ્રકાશ મહેતા મહારાષ્ટ્ર ભાજપ સંગઠનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રકાશ મહેતાની સાથે મહારાષ્ટ્રમાંથી પૂનમ મહાજન સહિતનાં અન્ય સિનિયર નેતાઓ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવવાના છે.
