Gujarat Weather News: રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે. 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
આજે સુરત, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. 5 ઓગસ્ટે વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડશે તેમ જણાઈ રહ્યું છે. આગામી ૩ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 4, 5 અને 6 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 141 પૈકી 35 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છના 20 પૈકી છ અને દક્ષિણ ગુજરાતના 13 પૈકી સાત જળાશયો સંપૂર્ણ ભરાયા છે. રાજ્યના 206 પૈકી 79 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી 90 ટકાથી વધુ ભરાયેલા છે. 57 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા 12 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 63.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.47 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 76.46 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 73.92 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 45.25 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 44.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
Gujarat Rain Live Update
4.01
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આહવા શિવઘાટ નજીક ધોધનો અદભુત નજારો જોવા મળ્યો છે. ધોધ જોવા માટે પ્રવાસીઓ ઉમટ્યા છે. GRDના જવાનો ટ્રાફિક નિયંત્રણ માટે ખડે પડે ઊભા રહ્યા છે.
3.00
2.30
અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
1.18
અમરેલીમાં વડીયાનો સુરવો ડેમ 70 ટકા ભરાયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે સુરવો ડેમમાં નવા નીર આવ્યા છે. 70 ટકા ડેમ ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
1.14
વલસાડમાં પારડી નાનાપોંઢા રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે. મહાકાય ઝાડ રોડની વચ્ચે પડ્યુ હતું, જેથી કલાકોથી વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. બંને બાજુના રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી છે. વલસાડના પારડીના વાઘછીપા નજીકની ઘટના છે. ટ્રાફિક કારણે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જીપને ટક્કર મારી ટ્રકે પણ પલ્ટી મારી છે.
1.06
નર્મદાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તિલકવાડા સહિત નર્મદામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. વરસાદથી ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું છે. નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે.
12.30
ગુજરાતમાં વરસાદથી થયેલ પાણીની આવકથી રાજ્યના 77 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. 90 ટકાથી વધુ ભરાયેલા રાજ્યના 56 ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 11 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. જેમાંથી સૌરાષ્ટ્રના 141 પૈકી 35 ડેમ સંપૂર્ણ ભરાયા છે. જ્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતના 6-6 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ તરફ મધ્ય ગુજરાતનો એક ડેમ સંપૂર્ણ ભરાયો છે. સરદાર સરોવર ડેમમાં હાલ 56.14 ટકા જળસંગ્રહ છે.
12.00
વલસાડ જિલ્લામાં 67 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં 66 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તાપી જિલ્લામાં 42 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. પોરબંદર જિલ્લામાં 23 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. ડાંગ જિલ્લામાં 16 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. સુરત જિલ્લામાં 11 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
11.06
બનાસકાંઠામાં જીવાદોરી ગણાતી બનાસ નદી બે કાંઠે થઈ છે. ઉપરવાસમાં સારા વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. પ્રથમવાર બનાસ નદી વહેતી થતા લોકોમાં આનંદ જોવા મળ્યો છે. ખેડૂતો પાકને સારો વરસાદ મળવાથી ખુશખુશશાલ થયા છે.
10.59
છોટા ઉદેપુરમાં બોડેલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. બોડેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે. ચલામલી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. કંડિયા નજીક હેરણ નદીમાં પાણીની આવક વધી છે.
10.31
વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘ મહેર જોવા મળી છે.
9.36
છોટા ઉદેપુરમાં ધસમસતા પાણીનાં પ્રવાહમાં યુવાન તણાયો છે. બારાવાડ ગામે કોઝવે પરથી પસાર થતા ઘટના બની છે. પ્રવીણ તડવી નામનો યુવાન તણાયો છે. છોટા ઉદેપુર ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી છે.
9.31
બનાસકાંઠાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધાનેરા, દાંતામાં 2.5 ઇંચ, વાવ, અમીરગ, ભાભર, લાખણીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વડગામ, થરાદમાં 2 ઇંચ, ડીસા, દિયોદરમાં 1 ઇંચ, સુઈગામ, કાંકરેજમાં વરસાદ પડતાં જિલ્લામાં રાત્રે તમામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રસ્તાઓ અને નીચાણ વાળા વિસ્તારમાં પાણી પાણી થયા છે.
9.25
નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આંતલિયા- ઉડાચ વચ્ચે બ્રીજ પાણીમાં ગરકાવ થયો છે. કાવેરી નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. નવસારીમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
9.00
ભાવનગર જિલ્લામાં રાત્રે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર, ઘોઘા, સિહોર, ગારિયાધાર, પાલિતાણા, તળાજા, મહુવા, જેસરમાં વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા