સુરેન્દ્રનગર,
શિક્ષણજગતને કલંકિત કરતી વધુ એક ઘટના સિહોરના ઉખરલા ગામે બનવા પામી છે. ઉખરલા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ૩ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદુભાઈ સવજીભાઈ કમળેજીયા નામના શખ્સે આ શાળામાં અભ્યાસ કરતી એક ૧૩ વર્ષની વિદ્યાર્થીની સાથે છેલ્લા ૨ માસથી શાળામાં સફાઈ અને પ્રવાસના બહાને બોલાવી શારીરિક અડપલા કરતો હતો.
આ વાત વિદ્યાર્થીનીએ જાણ તેના પરિવારજનોને કરતા પરિવારજનો એ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જયારે આ બનાવના પગલે ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોચ્યો ગયો હતો.
સુરેન્દ્રનગરના લીંબડીના રહેવાસી અને હાલ સિહોરના જગદીશ્વરાનંદ નગરમાં રહેતા અને સિહોરના ઉખરલા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદુભાઈ સવજીભાઈ કમળેજીયા નામનો શિક્ષક કે જે છેલ્લા ૩ વર્ષથી આ શાળામાં ફરજ બજાવતો હતો અને ભૂતકાળમાં પણ જેમના આવા જ કારસ્તાનોના કારણે ગ્રામજનો દ્વારા મેથીપાક આપવામાં આવ્યો હોવા છતાં હૈવાન એવા આ શિક્ષકમાં કોઈ ફેર નથી પડ્યો.
આ શિક્ષકે તેમની શાળામાં અભ્યાસ કરતી એક ૧૩ વર્ષીય વિદ્યાર્થીનીને ગત તારીખ ૧૬-૦૧-૧૮ના રોજથી શાળામાં સાફસફાઈ અને પ્રવાસમાં જવાના બહાને બોલાવી વારંવાર તેમની સાથે શારીરિક અડપલા કરતો હતો.
જેથી આખરે આ વિદ્યાર્થીનીએ આ બાબતે તેમના પરિવારજનો ને જાણ કરતા સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. જયારે આ બનાવના પગલે નાના એવા ઉખરલા ગામના ગ્રામજનોમાં ભારે રોષ છવાઈ જતા પોલીસે શિક્ષકની અટકાયત કરી તેમની સરભરા કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
