ગાંધીનગર,
ગુજરાત સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને હોળીની ભેટ આપવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને સાતમા પગાર પંચનુ એરીયર ૩ હપ્તામાં ચુકવવામાં આવશે. જેનાથી રાજ્ય સરકારની તિજોરી પર ૩૨૭૯.૭૯ કરોડનો બોજો પડશે. આજે મળેલ વિધાનસભાની બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યુ હતું કે રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનધારકોને સાતમા પગારપંચનુ એરીયર ચુકવવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને ૧ જાન્યુઆરી ૨૦૧૬ થી ૩૦ જુલાઈ ૨૦૧૬ સુધી ૭ મહિનાનુ એરીયર ચુકવવામાં આવશે. જ્યારે પેન્શનધારકોને ૧ જાન્યુઆરી ૨૦૧૬થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬ સુધી ૯ મહિનાનુ એરીયર ચુકવવામાં આવશે.
નીતિન પટેલે જણાવ્યુ હતું કે, આ એરીયર ત્રણ હપ્તામાં ચુકવાશે. જેનો પ્રથમ હપ્તો માર્ચ મહિનામાં, બીજો હપ્તો મે મહિનામાં અને ત્રીજો હપ્તો જુલાઈ મહિનામાં ચુકવાશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના ૪.૬૫ લાખ કર્મચારીઓ અને ૪.૧૨ લાખ પેન્શનધારકોને સીધો લાભ થશે. જ્યારે રાજ્ય સરકારની તિજોરી પર ૩,૨૭૯.૭૯ કરોડનો બોજો પડશે.
મહત્વનુ છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ૧ જાન્યુઆરી ૨૦૧૬થી સાતમુ પગારપંચ લાગુ કરવામાં આવ્યુ હતું. જોકે, પગાર વધારો ચુકવવાની શરૂઆત ઓગસ્ટ ૨૦૧૬થી થઈ હતી, જેથી ૭ મહિનાનુ એરીયર લેવાનુ બાકી નીકળતુ હતું.
