વડોદરા,
કાશ્મીરમાં ઇતિહાસનાં સૌથી મોટાં આતંકવાદી હુમલાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે. ઠેર ઠેર આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોને ભીની આંખે શ્રદ્ધાંજલી અપાઇ રહી છે ત્યારે વડોદરામાં યોજાયેલા એક અનોખા લગ્ન સમારંભમાં પોસ્ટર્સ અને બેનર્સ સાથે દેશનાં બહાદુર શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
કાશ્મીરમાં એક આત્મઘાતી હુમલો અને તેમાં આપણાં એકસાથે 40 જેટલાં જવાનોની શહાદતે દેશમાં આક્રોશની સાથે શોકની લાગણી પ્રસરાવી છે. સમગ્ર હિંદુસ્તાનમાં જવાનોની શહીદીને સલામ કરી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં પણ શહીદો અને તેમનાં પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતો એક અનોખો પ્રસંગ જોવાં મળ્યો.
વડોદરાનાં કાપડિયા પરિવાર દ્વારા પણ લગ્ન જેવાં સામાજિક ખુશીનાં પ્રસંગને કાશ્મીરમાં આતંકી હુમલાની દુઃખદ ઘટનાને પગલે સાદગીથી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. શહેરનાં ગોત્રી વિસ્તારમાં આજે નીકળેલાં લગ્નનાં વરઘોડામાં ન તો ડાન્સ હતો, ન તો ડીજેનાં તાલે ઝુમતા જાનૈયાઓ. દરેક જાનૈયાનાં હાથમાં હતાં શહીદોને શ્રદ્ધાંજલી આપતાં બેનરો.
લગ્નનાં વરઘોડામાં કાશ્મીરમાં શહીદીને વરેલા જવાનોને મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. લગ્નગીતોને બદલે શહીદોની બલિદાન ગાથાને યાદ કરતાં ગીતો વાગ્યાં. પરિવારમાં એક તરફ લગ્નનો હરખ હતો તો બીજી તરફ દેશનાં જવાનોને ગુમાવવાનું દુઃખ પણ હતું.
