વડોદરા,
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં રુપાણી સરકારમાં મંત્રીઓ પોતાના મંત્રીમંડળની ફાળવણીને લઇ નારાજગી દર્શાવી ચુક્યા છે, ત્યારે હવે આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા નવા મુખ્યમંત્રીની નિમણુંક અંગે પણ અનેક અટકળો જોવા મળી રહી છે.
લોકસભાનું ચૂંટણી પહેલા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત બનાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે આં અટકળો સામે આવી છે. પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર, લોકસભાની ચૂંટણી પહેલા મોવડી મંડળ રાજ્યમાં CM પદે વર્તમાન મુખ્યમંત્રી વિજય રુપાણીની જગ્યાએ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાની વરણી કરવામાં આવી શકે છે.
ત્યારે હવે મુખ્યમંત્રીની નિમણુંક અંગેની અટકળો અંગે મોદી સરકારમાં રોડ, ટ્રાન્સપોર્ટ વિભાગના રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
વડોદરા ખાતે સરકાર દ્વારા રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે હાજર રહેલા કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું, “હું મુખ્યમંત્રીની રેસમાં નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી જ રહેશે અને CM બદલવા અંગે જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે”.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારના મંત્રીઓ પોતાના ખાતાંની વહેચણીને લઇ નારાજગી દર્શાવી ચુક્યા છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સરકારના કેટલાક કાર્યક્રમોથી અંતર રાખી રહ્યા છે તેમજ એવી માહિતી પણ સામે આવી છે કે, મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી વચ્ચે સુમેળભર્યા સંબંધો પણ નથી.
આ તમામ અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અચાનક જ રાજધાની દિલ્હી પહોચ્યા હતા અને બંધ બારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી હતી અને આગામી ચૂંટણી અંગે તેમજ રાજ્યના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ તેઓ કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ સાથે પણ મુલાકાત કરી હતી.
ત્યારથી કયાસ લાગવવામાં આવી રહ્યા હતા કે, રાજ્યમાં મનસુખ માંડવિયાએ લોકસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
