Not Set/ ગીર અને સોરઠ પંથકમાં ઝાપટાંથી લઈ ત્રણ ઈંચ વરસાદઃ પાકને મળ્યું જીવતદાન

અમદાવા, છેલ્લા લાંબા સમયથી વરસાદે વિરામ રાખ્યા બાદ ગઈ સાંજે ભારે પવન સાથે જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લા સહીત સોરઠ પંથકના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જેના કારણે ઝાપટાંથી માંડીને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવામાં મળ્યું છે. આ વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને જીવતદાન મળી જવા પામ્યું હતું. જયારે વિસાવદરના જંગલ […]

Top Stories Gujarat Others Trending
Three inch rain in the Gir and Sorath Area

અમદાવા,

છેલ્લા લાંબા સમયથી વરસાદે વિરામ રાખ્યા બાદ ગઈ સાંજે ભારે પવન સાથે જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લા સહીત સોરઠ પંથકના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જેના કારણે ઝાપટાંથી માંડીને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવામાં મળ્યું છે. આ વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને જીવતદાન મળી જવા પામ્યું હતું. જયારે વિસાવદરના જંગલ તેમજ ગીર પંથકમાં 2 થી 3 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં નદીઓમાં ભારે પૂર આવ્યા હતાં. જેથી વિસાવદર નજીકના આંબાજળ અને ધ્રાફડ ડેમના દરવાજા ખોલવા પડ્યા હતાં.

મેઘરાજાએ લાંબો સમય વિરામ લીધા બાદ ગુરુવારે સાંજે સોરઠ પંથકના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. હવામાન પલટાતાની સાથે ભારે પવન અને ગાજ-વિજ સાથે જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના વિસાવદર, મેંદરડા, વંથલી તેમજ ગીરવિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. જેને કારણે જયારે ખેડૂતોના ઉભા પાકને પાણીની જરૂર હતી, તેવા સમયે જ વરસાદ આવવાથી ખેડૂતો અને લોકો આનંદમાં આવી ગયા હતાં.

વિસાવદરના ગીર વિસ્તારમાં 2 થી 3 ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે આંબાજળ અને ધ્રાફડ નદીમાં પૂર આવ્યા હતા. જેના કારણે આંબાજળ ડેમના બે દરવાજા 4-4 ફૂટ ખોલવા પડ્યા હતાં, જયારે ધ્રાફડ ડેમનો એક દરવાજો ખોલવો પડ્યો હતો. આ બન્ને ડેમના દરવાજા  ખોલવાના કારણે બન્ને નદીમાં પાણી ઠલવાતા ઓઝત નદીમાં પણ ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ ઉપરાંત વિસાવદરના ખાંભા, પ્રેમપરા, લાલપુર, મોટી મોણપરી, વેકરિયા, મોણીયા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારો વંથલી, મેંદરડા પંથકના ગામડામાં પણ પડ્યો હતો. જોકે તાલુકા મથકોએ ઓછો વરસાદ નોંધાયો છે જેમાં વિસાવદરમાં દોઢ ઈંચ, વંથલી-જૂનાગઢમાં ભારે ઝાપટાં વરસ્યા હતાં.

આ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોધમાર વરસ્યો હતો જેમાં મધ્ય ગીરના ગીરગઢડા પંથકમાં તેમજ ડોળાસા, તાલાલા, ઉના પંથકમાં પણ વરસાદ પડવાના કારણે નદીઓમાં પૂર આવ્યા હતાં. જેમાં તાલાલાના માધુપુર, સુરવા, ધાવા, આકોલવાડી, બામણાસા, હડમતિયા વિસ્તારમાં 1 થી દોઢ ઈંચ તેમજ ગિરગઢડા, ડોળાસા વિસ્તારમાં પણ ઝાપટાંથી માંડી પોણો ઈંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો હતો. આ વરસાદથી ખેડૂતોના પાકને પિયતની જરૂર હતી, તેવા સમયે વરસાદી પાણી મળી જતાં ખેડૂતો આનંદમાં આવી ગયા છે.