Gujarat University BCom Exam Issue: રાજ્યની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટી અવારનવાર પોતાના વિવાદો અને વહીવટી અંધાધૂંધીને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજે ફરી એકવાર યુનિવર્સિટીની પરીક્ષા કામગીરીના સરેઆમ ધજાગરા ઉડ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી B.Comની પરીક્ષામાં આજે એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં પરીક્ષા હોલમાં બેઠેલા વિદ્યાર્થીઓને નિયત ટાઈમટેબલ મુજબના વિષયને બદલે અન્ય સેમેસ્ટર કે વિષયનું તદ્દન ‘ખોટું’ પ્રશ્નપત્ર વહેંચી દેવામાં આવ્યું હતું. આ છબરડાને કારણે પરીક્ષા કેન્દ્રો પર ભારે હોબાળો મચી ગયો હતો.
Gujarat University: ખોટું પેપર જોઈને વિદ્યાર્થીઓ સ્તબ્ધ
મળતી વિગતો અનુસાર, પરીક્ષા શરૂ થતાં જ જ્યારે પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓના હાથમાં આવ્યું, ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. ટાઈમટેબલ કંઈક અલગ હતું અને પ્રશ્નપત્રમાં વિષય જ જુદો હતો! વિદ્યાર્થીઓએ આ અંગે તાત્કાલિક ક્લાસ સુપરવાઈઝરનું ધ્યાન દોર્યું હતું. જોકે, શરૂઆતમાં સત્તાધીશો તરફથી કોઈ યોગ્ય કે સંતોષકારક જવાબ ન મળતાં વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી હતી અને તેમણે પરીક્ષા કેન્દ્રો પર જ સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં આ સમાચાર અલગ-અલગ સેન્ટરો પર વાયુવેગે પ્રસરી ગયા હતા.

વિદ્યાર્થીઓએ ભોગવવો પડ્યો માનસિક તણાવ
પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. વાચકો અને વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની આટલી મોટી લાપરવાહીને કારણે તેમનો પરીક્ષાનો અત્યંત કિંમતી સમય વેડફાયો છે. પેપર ખોટું આવવાને કારણે એક્ઝામ આપવા બેઠેલા વિદ્યાર્થીઓને ભારે માનસિક તણાવ અને અસમંજસની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, જેની સીધી અસર તેમના પરિણામ પર પડી શકે છે.
દોડધામ વચ્ચે પેપર બદલવું પડ્યું
મામલો વધુ બિચકતો જોઈને અને વિદ્યાર્થીઓનો વિરોધ વધતાં પરીક્ષા કેન્દ્રના સંચાલકો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. તેમણે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ઉચ્ચ અધિકારીઓને ફોન પર આ લોચા અંગે કટોકટીની જાણ કરી હતી. પોતાની ગંભીર ભૂલ સમજાતા યુનિવર્સિટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અધિકારીઓએ તાબડતોબ ઓનલાઈન પ્રિન્ટ કઢાવીને અથવા ઈમરજન્સી વ્યવસ્થા કરીને કેન્દ્રો પર સાચું પ્રશ્નપત્ર મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ભારે હોબાળા બાદ આખરે છેલ્લી ઘડીએ પેપર બદલવામાં આવ્યું હતું અને પરીક્ષા ફરી શરૂ કરાવાઈ હતી.
પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જેના પર ટકેલું છે તેવી મુખ્ય પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો સેટ કરવામાં અને તેના વિતરણમાં આટલી હદની બેજવાબદાર કામગીરી કેવી રીતે થઈ શકે? શું જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેવાશે કે પછી દર વખતની જેમ મામલો થાળે પાડી દેવાશે?
