ગુજરાતની એટીએસની ટીમે બાતમીના આધારે ગઈકાલે વાપીના એક કારખાનામાંથી બિહારના બહોરમા ગામના રહેવાસી રાજેશ ઉર્ફે ગોપાલપ્રસાદ મોચીની ધરપકડ કરી હતી. આરોપી ભારત કોમ્યુનિષ્ટ પાર્ટી (માઓવાદી) સાથે સંકળાયેલો છે.
નક્સલવાદી સંગઠનના બિહારના જિલ્લાના ઝોનલ કમાન્ડર રાજેશ વાપીમાં આવેલા એક કારખાનામાં છેલ્લા કેટલાક મહિનાથી નામ છૂપાવી નોકરી કરતો હતો. આરોપી સીઆરપીએફના 10 જવાનોની હત્યાઓમાં સામેલ છે.
નક્સલવાદી સંગઠનને મજબૂત બનાવવા માટે ધંધાદારીઓ અને ઠેકેદારો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. જેના કારણે માઓવાદી સંગઠનના બિહાર-ઝારખંડ (મગધ) વિસ્તારના સ્પેશિયલ એરિયા કમિટીના ઈન્ચાર્જ પ્રદ્યુમ્ન શર્માએ તેને ઝોનલ કમાન્ડર બનાવ્યો હતો.
2016માં રાજેશ, અનિલ યાદવ, ચંદન નેપાળી સહિત અન્ય નક્સલવાદીઓએ બિહારના જંગલ વિસ્તારમાં IED બલાસ્ટ કરી CRPFના દસ જવાનોની હત્યા કરી હતી. માઓવાદી સંગઠન બિહાર-ઝારખંડ વિસ્તારના એરિયા કમિટિ હેડ પ્રદ્યુમ્ન શર્મા સાથે તેના હાલના સંબંધો અને તેની ગુજરાતમાં હાજરી અનુસંધાને પૂછપરછ કરવામાં આવી રહી છે.
