Surat News:સુરતના અલથાણ વિસ્તારમાં ગુરુવારે સાંજે એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ-10માં અભ્યાસ કરતી એક સગીરા સાથે છેડતીની (Molestation) કોશિશ કરવા બદલ બારડોલીના 39 વર્ષીય મોહંમદ અઝીઝ ઇલિયાઝને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ અને તણાવનો માહોલ સર્જ્યો હતો.
લોકોએ આરોપીને પોલીસ વાનમાંથી ખેંચી કાઢીને ઢોરમાર માર્યો હતો, જેના કારણે પોલીસ સ્ટેશન પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.મામલાની વિગતો મુજબ, અલથાણ વિસ્તારમાંથી પસાર થતી સગીરાનો હાથ પકડીને મોહંમદ અઝીઝે છેડતી (Molestation) કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટના તુરંત વાયુવેગે વિસ્તારમાં ફેલાઈ ગઈ અને સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો. આસપાસના લોકોએ આરોપીને તાત્કાલિક પકડી પાડ્યો અને અલથાણ પોલીસ સ્ટેશન લઈ આવ્યો. પોલીસની 112 વાન ઘટનાસ્થળે પહોંચતાં જ ઉશ્કેરાયેલી ભીડે કાયદો હાથમાં લીધો અને પોલીસની હાજરીમાં જ આરોપી પર તૂટી પડીને તેને ભારે માર માર્યો.પોલીસ સ્ટેશન પરિસરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં સ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરીને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા. જોકે, ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
સગીરાની છેડતી (Molestation) મામલે પોલીસ વાનમાંથી ખેંચી યુવકને માર માર્યો
આ દરમિયાન મનુ પટેલની નજીકના એક યુવકને માથામાં ઇજા પહોંચી હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. પોલીસ સ્ટેશનમાં જ ધારાસભ્યે તેનું લોહી સાફ કર્યું હતું. સ્થળ પર હાજર વ્યક્તિઓએ જણાવ્યું કે મનુ પટેલે યુવકને સલાહ આપી હતી કે “કોઈ પૂછે તો કહેતો નહીં કે પોલીસના લાઠીચાર્જમાં ઇજા થઈ છે, એવું કહેજે કે પડી ગયો હતો.”પીડિતા સગીરાની માતાએ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું, “પહેલાં તો બધા પટેલ કે જે બધા હતા આવ્યા મારી દીકરી માટે આટલી બધી બહાર પબ્લિક ભેગી થઈ એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર.

મેં મારી છોકરીની છેડતી (Molestation) થઈ એ માટે પોલીસ સ્ટેશનમાં FIR લખાવ્યો તો મને પોલીસ સ્ટેશનમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે કે કાલે મારી છોકરીને ન્યાય મળશે તો એ બદલ સમાજ પરિવાર એસપીજી ગ્રુપ કોઈ ભી બધા માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. મારી છોકરી સેફ છે એને સજા મળશે.”પોલીસે તાત્કાલિક POCSO એક્ટ હેઠળ સંબંધિત કલમો અન્વયે ફરિયાદ નોંધી છે.
ફરિયાદ લેવાની કાર્યવાહી છેડતીનો (Molestation) ભોગ બનનાર પીડિતાના વાલીઓ અને તેના ક્લાસ ટીચરની હાજરીમાં કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થિતિ વણસે નહીં તે માટે સુરત પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો.
