Gujarat Weather Rain Updates : ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ 20 સપ્ટેમ્બરના સવારે 6 વાગ્યાથી 21 સપ્ટેમ્બરના સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ભાવનગરના મહુવામાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લાના(Gujarat Weather) મહુવામાં સૌથી વધુ 105 મિમી એટલે કે 4.13 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ રાજકોટના ગોંડલમાં 92 મિમી અને જૂનાગઢના માણાવદરમાં 71 મિમી વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ શહેરમાં 60 મિમી અને વંથલીમાં 52 મિમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે.
સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ મેઘમહેર
ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 50 મિમી, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 49 મિમી, અમરેલીના કુંકાવાવ-વાડિયામાં 44 મિમી અને રાજકોટના જસદણમાં 40 મિમી વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં (Gujarat Weather) પણ 39 મિમી વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને છેલ્લા કેટલાક દિવસથી અનુભવાઈ રહેલા ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે.
આજે ત્રણ જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ અને ડાંગ માટે વરસાદ અને ગાજવીજની ચેતવણી આપી છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. IMDની 21 સપ્ટેમ્બરની આગાહી મુજબ ગુજરાત(Gujarat Weather) રિજિયન તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ગાજવીજ અને વીજળી સાથે વરસાદની શક્યતા છે. જોકે 22 સપ્ટેમ્બરથી આગળના દિવસોમાં કોઈ વિશેષ ચેતવણી દર્શાવવામાં આવી નથી.
ચોમાસાની વિદાય વચ્ચે ફરી વરસાદ
ગુજરાતમાં (Gujarat Weather) હવે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અહેવાલો મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ આગામી દિવસોમાં ચોમાસું વિદાય લેવાની સ્થિતિમાં છે. તેમ છતાં હાલ કેટલાક વિસ્તારોમાં સ્થાનિક હવામાનની સ્થિતિને કારણે વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો:ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શક્યતા
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી મેઘમહેરનો રાઉન્ડ, 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 9 જિલ્લામાં એલર્ટ, નદીઓમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશી
