વડોદરા,
તા.12 જાન્યુઆરી શહેરમાં ફરતી અંદાજે ૧૫ હજાર ઓટો રીક્ષાઓ માટે નિર્ભય સવારી નામનો પ્રોજેકટ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તમામ રીક્ષાઓ પર ઇલેકટ્રોનિક ચીપ લગાડવામાં આવશે તે રીક્ષાનું લોકેશન જાણી શકાશે. આ અંગેની વિગત એવી છે, કે શહેરમાં મુસાફરોની અવરજવર કરતી ઓટો રીક્ષામાં કેટલાક ચોરી, લૂંટ અને અપહરણ જેવા ગુનાઓ બને છે. મુસાફર આ અંગે તત્કાલ પોલીસમાં ફરિયાદ કરે તો પણ તે રીક્ષા શોધી શકતા નથી. આથી શહેરમાં ફરતી તમામ રીક્ષાઓના ડેટા આરટીઓ કચેરીમાંથી પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યાં છે.
”નિર્ભય સવારી ” નામના પ્રોજેકટ હેઠળ શહેરની તમામ રીક્ષાઓમાં ઈલેકટ્રોનીક ચીપ ફીટ કરવામાં આવશે. જેમાં રીક્ષાની તમામ વિગતો હશે. તેના માલિકના નામ સરનામા સહિતની વિગતોનો ડેટા મેળવવામાં આવી રહ્યાં છે. રીક્ષા એસોસિએશનની મદદથી તમામ રીક્ષા માલિક અને ડ્રાઈવરેને આ વિગતો પૂરી પાડવાનું જણાવવામાં આવી રહ્યું છે ઘણીવાર રીક્ષા ડ્રાઇવર બદલાતા રહે છે. જેથી રીક્ષામાં લખેલા મોબાઈલ નંબરનો કોઈ અર્થ રહેતો નથી.
આવી તકલીફના નિવારણ માટે હવે રીક્ષામાં ડ્રાઇવર ઉપરાંત રીક્ષા માલિકનો પણ મોબાઈલ નંબર લખવો ફરજિયાત બનાવવામાં આવશે. જેમાં ઘણી બધી વિગતો સમાવી લેવામાં આવશે. આ પોલીસ સ્ટેશનની વિગત પણ ચીપમાં લગાવવામાં આવશે. આ ચીપના કારણે રીક્ષાની તમામ વિગતો પોલીસતંત્ર પાસે કાયમમાટે રહેશે અને જ્યારે કોઈ ક્રાઈમને અંજામ આપવામાં રીક્ષાનો ઉપયોગ થશે. ત્યારે રીક્ષા થકી ગુનેગારો સુધી પહોંચાવામાં પોલીસે આસાની રહેશે.
